પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 'પરીક્ષા પે ચર્ચા' માત્ર અભ્યાસક્રમની પરીક્ષા માટે નહીં, જીવનની પ્રત્યેક પરીક્ષા માટે પથદર્શક છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ રાજભવનમાં ગાંધીનગરની શાળાના બાળકો સાથે બેસીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 'પરીક્ષા પે ચર્ચા' નું જીવંત પ્રસારણ માણ્યું
એક શિક્ષક અને મનોવૈજ્ઞાનિક જેટલી નિપુણતાથી યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભારત અને વિદેશના લાખ્ખો છાત્રો, શિક્ષકો અને વાલીઓ સાથે સંવાદાત્મક 'પરીક્ષા પે ચર્ચા' કરી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ
રાજભવનમાં ગાંધીનગરની શાળાઓના બાળકો સાથે બેસીને આ રસપ્રદ સંવાદનું જીવંત પ્રસારણ માણ્યું હતું.
ગુજરાતના બે છાત્રો; યુગ્મા લલિત લબાના (ધોરણ-10, દાહોદ) અને દક્ષ ભદ્રેશ પટેલ (ધોરણ-9, અમદાવાદ) શિક્ષક પ્રાર્થનાબેન મહેતા સાથે આ કાર્યક્રમમાં ભાગ લેવા દિલ્હી જવા માટે પસંદગી પામ્યા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આ બાળકોને અભિનંદન પાઠવ્યા હતા.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાદાયી વાતો માત્ર અભ્યાસક્રમની પરીક્ષા માટે જ નહીં દરેકના જીવનમાં ડગલેને પગલે આવતી પરીક્ષાઓ માટે પણ એટલી જ માર્ગદર્શક અને ઉપયોગી બની રહેશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 'પરીક્ષા પે ચર્ચા' ના સમાપન પછી વિદ્યાર્થીઓને સંબોધતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સૌ બાળકોને પ્રધાનમંત્રીએ આપેલા માર્ગદર્શનનું પાલન કરવા અને પ્રમાણિકતાપૂર્વક એકાગ્રતાથી મહેનત કરવા અનુરોધ કર્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને પરીક્ષાઓમાં સારા માર્કે ઉત્તીર્ણ થવા માટે શુભકામનાઓ પાઠવી હતી.
આવા અદભુત કાર્યક્રમ માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. રાજ્યપાલના અગ્ર સચિવ રાજેશ માંજુ અને શિક્ષણ વિભાગના સચિવ ડૉ. વિનોદ રાવે પણ રાજ્યપાલ સાથે કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
What's Your Reaction?