'સ્પર્શ મહોત્સવ'માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીની ઉપસ્થિતિ

Jan 19, 2023 - 19:22
 13
'સ્પર્શ મહોત્સવ'માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી  નીતિન ગડકરીની ઉપસ્થિતિ

ભૌતિકતાનો સદુપયોગ કેવી રીતે થાય તે માટે આચાર્ય શ્રી વિજયરત્ન સુંદર સુરીશ્વર મહારાજ સાહેબના પુસ્તકો ખૂબ ઉપયોગી બનશે
જીવનમાં આગળ વધવા માટે સદકાર્યો અને ધર્મકાર્યો કરવા માટે અધ્યાત્મનો સ્પર્શ ખૂબ જરૂરી
કેન્દ્રીય મંત્રી શ્રી નીતિન ગડકરી :-
 પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં આત્મનિર્ભર ભારત અને ૫ ટ્રીલિયન ઈકોનોમી બનાવવાનું લક્ષ્ય

સમાજ અને દેશ નિર્માણ માટે વિઝનની સાથોસાથ સંસ્કાર પણ જરૂરી
આવા મહોત્સવમાં પ્રાચીન પરંપરા અને આધુનિક ટેકનોલોજીના સમન્વયથી સમાજનિર્માણનું કામ

સ્પર્શ મહોત્સવમાં ભારતભરમાંથી આવેલા ૨૫૦થી વધુ પાંજરાપોળના ટ્રસ્ટીઓનું સન્માન કરીને ૫ કરોડનું અનુદાન

અમદાવાદમાં આયોજિત 'સ્પર્શ મહોત્સવ'માં આ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, અમદાવાદના આંગણે પદ્મભૂષણ આચાર્યશ્રી વિજયરત્ન સુંદર સુરીશ્વરજી મહારાજના ૪૦૦મા પુસ્તકના વિમોચન પ્રસંગે આયોજિત સ્પર્શ મહોત્સવમાં ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો તે મારા માટે સૌભાગ્યની વાત છે. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે ખરા અર્થમાં આ સમય અમૃતકાળ બને તે માટે મહારાજ સાહેબના પુસ્તકો ઉપયોગી બનશે. સદવાંચનનું મહત્વ સમજાવતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આપણે સૌ ભૌતિકતા તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે ભૌતિકતાનો સદુપયોગ કેવી રીતે થાય તે માટે આચાર્ય શ્રી વિજયરત્ન સુંદર સુરીશ્વર મહારાજ સાહેબના પુસ્તકો ખૂબ ઉપયોગી બનશે.

ઉલ્લેનખનીય છે કે, ૨૨ જાન્યુઆરી સુધી અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે  સ્પર્શ મહોત્સવ ચાલશે. અત્યાર સુધીમાં ૪૦૦ પુસ્તકો અને પ્રવચનો થકી સમાજમાં આગવી ઓળખ બનાવનાર આચાર્ય વિજયરત્ન સુંદર સુરીશ્વરજીની જ્ઞાનવાણીનો લ્હાવો મેળવવા આ મહોત્સવમાં હજારો મુલાકાતીઓ આવશે. સાથોસાથ અહીં પ્રતિદિન અનેક સામાજિક-આધ્યાત્મિક પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવશે. આ ઉપક્રમે દેશભરમાંથી ૨૫૦ જેટલી ગૌશાળાને ૫ કરોડ રૂપિયાનું અનુદાન આપવામાં આવ્યું છે.

સ્પર્શ મહોત્સવમાં સેવાની ભાવનાને બિરદાવતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, જીવનમાં આગળ વધવા માટે સદકાર્યો અને ધર્મકાર્યો કરવા માટે અધ્યાત્માનો સ્પર્શ ખૂબ જરૂરી છે. તેમણે કહ્યું કે, જીવનમાં ગમે તેટલી ઝડપે ગતિ કરીએ પણ સાચી દિશા જાળવવા માટે સાધુભગવંતોની વાણીનો સ્પર્શ જાળવી રાખીવો જોઈએ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નાનામાં નાના અને છેવાડાના માણસને મુખ્ય પ્રવાહમાં જોડવાના પ્રયાસમાં સમગ્ર સરકારને સાધુ ભગવંતોના આશીર્વાદ મળશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે ઉપસ્થિત કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રીશ્રીએ સંબોધન કરતા જણાવ્યું કે, આવા મહોત્સવમાં પ્રાચીન પરંપરા અને આધુનિક ટેકનોલોજીના સમન્વયથી સમાજને સંસ્કારીત કરવાનું કામ થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં આત્મનિર્ભર ભારત તથા ૫ ટ્રીલિયનની ઈકોનોમી બનાવવાનું લક્ષ્ય છે. ત્યારે સમાજ અને દેશનિર્માણ માટે વિઝનની સાથોસાથ સંસ્કાર પણ જરૂરી છે. જે સ્પર્શ જેવા મહોત્સવો થકી થાય છે.*

સ્પર્શ મહોત્સવમાં ભારતીય ઉત્સવ પરંપરાનો મહિમા જણાવતા શ્રી નીતિન ગડકરીએ કહ્યું કે, સમાજને જીવન જીવવાની નવી દ્રષ્ટિ પ્રદાન કરવાના હેતુ સાથે ભારતમાં પ્રાચીનકાળથી ઉત્સવોની પરંપરા છે. આજે મહોત્સવો દ્વારા પ્રાચીન પરંપરા અને આધુનિક ટેકનોલોજીના સમન્વયથી સમાજનિર્માણનું કામ થઈ રહ્યું છે જે પ્રશંસાને પાત્ર છે. સંસ્કૃત ઉક્તિનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે, તમે કોઈને આંખોનું દાન કરી શકો પણ દ્રષ્ટિ (વિઝન) ન આપી શકાય. સમાજ નિર્માણની દીર્ઘદ્રષ્ટિ અધ્યાત્મ દ્વારા જ મળે છે. એમ તેમણે ઉમેર્યું હતું.

સ્વામી વિવેકાનંદના સુપ્રસિદ્ધ વચનને ટાંકતા શ્રી ગડકરીએ જણાવ્યું હતું કે, જેમ આકાશમાંથી વરસતું પાણી, નદીઓના માધ્યમ થકી સમુદ્રને મળે છે તેમ આપણું અધ્યાત્મ સાધના-ભક્તિના વિવિધ માર્ગો થકી આપણને ભગવાન પાસે પહોંચાડે છે. મૂલ્યનિષ્ઠ સમાજની રચના એ આપણી સંસ્કૃતિના પાયામાં છે. ભગવાનના અવતારો, સંતો, શાસ્ત્રો આ તમામ દ્વારા અત્યાર સુધી જીવન નિર્માણનો પ્રયાસ થતો આવ્યો છે. અને એ જ દિશામાં પ્રયાસરત સરકારને ગરીબ, શોષિત, પીડિતની સેવા કરવાની હિંમત મળે અને સૌનું જીવન ઉન્નત બને તેવી શુભપ્રાર્થના અંતે તેમણે કરી હતી.
    ઉલ્લેખનીય છે કે, પદ્મભૂષણ આચાર્ય શ્રી વિજયરત્ન સુંદર સૂરીશ્વરજીના ૪૦૦મા પુસ્તકનું ભવ્ય શોભાયાત્રા બાદ વિમોચન થનાર છે. ત્યારે આજે આયોજિત સમારોહમાં એલિસબ્રિજ વિસ્તારના ધારાસભ્ય શ્રી અમિતભાઇ શાહ અને અન્ય આમંત્રિત મહેમાનો તેમજ જૈન અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow