કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે ગાંધીનગર તાલુકાના નવ ગામોમાં રૂપિયા ૪૯ કરોડથી વઘુના વિકાસ કામોનું લોકાર્પણ- ખાતમુહૂર્ત મોટી આદરજ ગામથી કરાયું

Jan 16, 2023 - 12:09
 17
કેન્દ્રીય ગૃહ મંત્રી  અમિત શાહના હસ્તે ગાંધીનગર તાલુકાના નવ ગામોમાં રૂપિયા ૪૯ કરોડથી વઘુના વિકાસ કામોનું લોકાર્પણ- ખાતમુહૂર્ત મોટી આદરજ ગામથી કરાયું

ગુજરાતની જનતાએ જે વિશ્વાસ મુક્યો છે, તેના કારણે જવાબદારી બેવડાઇ છે..... અમિત શાહ
 કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ : વિકાસના કામોમાં કોઇ કચાશ રહે નહીં તેવી વ્યવસ્થા ગોઠવી છે
 સારવારના અભાવે કોઇ વ્યક્તિને સહન કરવું નહી પડે  ગાંધીનગર સંસદીય મત વિસ્તારમાં ૯૨ ટકા લાભાર્થીને આયુષ્યમાન કાર્ડની સુવિઘા હેઠળ આવરી લેવાયા
પ્લાસ્ટિક મુકત ગુજરાત માટે લોકોને સહયોગી બનવા કેન્દ્રીય ગૃહ મંત્રીની અપીલ
ગાંધીનગર સંસદીય મત વિસ્તારમાં રૂપિયા ૭૫૦ કરોડના આરોગ્યલક્ષી
વિકાસના કામો ચાલી રહ્યા છે...... આરોગ્ય મંત્રી  ઋષિકેશ પટેલ

 

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તેમજ ગાંધીનગરના સાંસદ  અમિત શાહે ગાંધીનગર જિલ્લાના મોટી આદરજ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનું ભૂમિપૂજન કર્યું હતું. તેમણે ગાર્બેજ કલેકશન વાનને લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. કેન્દ્રીય મંત્રીશ્રીએ આ અવસરે અનેક વિધ વિકાસ કામોના ઇ લોકાર્પણ અને ઇ- ખાતમુહૂર્ત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતની જનતાએ જે વિશ્વાસ મુક્યો છે, તેના કારણે પ્રજાના પ્રતિનિઘિઓની જવાબદારી બેવડાઇ છે. તેમણે જણાવ્યું હતું કે, વિઘાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષને જંગી બહુમતીથી જીતાડીને ગુજરાતે કાશ્મીરથી કન્યાકુમારી સુઘી સંદેશો પહોંચાડયો છે કે આગામી લોકસભાની ચૂંટણીમાં પણ પ્રઘાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં આવી જ ઝળહળતી સફળતા મળવાની છે. 
    
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીએ ઉત્તરાયણના પાવનપર્વે શુભેચ્છા પાઠવી હતી. અને સેના દિવસ નિમિત્તે દેશની રક્ષાકાજે સર્વોચ્ચ બલિદાન આપનાર વીર શહીદ જવાનોને શ્રધ્ધાસુમન પાઠવ્યા હતા. 
 
કેન્દ્રીય મંત્રીએ ગાંધીનગર જિલ્લાના મોટી આદરજ ખાતે કુલ- ૪૮ કરોડથી વઘુ રૂપિયા ૫૧ વિકાસ કામોના ખાતમુહૂર્ત- લોકાર્પણ કરતાં જણાવ્યું હતું કે, પ્રઘાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વની સરકારમાં વિકાસ કામોમાં કોઇ કચાશ રહે નહી, તેવી વ્યવસ્થા ગોઠવી છે. તેમણે જણાવ્યું હતું કે, સારવારના અભાવે કોઇ વ્યક્તિને સહન કરવું નહીં પડે. ગાંધીનગર સંસદીય મત વિસ્તારના ૯૨ ટકા લાભાર્થીને આયુષ્માન કાર્ડની સુવિઘા હેઠળ આવરી લેવાયા છે.  

પ્રજાના પ્રતિનિઘિ તરીકે વિકાસ કાર્યોનું સરવૈયું આપતા ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહ મંત્રી 
અમિત શાહે જણાવ્યું હતું કે, સંસદીય મત ક્ષેત્રેમાં અત્યાર સુઘીમાં અંદાજે ૧૩ હજાર કરોડના ૧૬,૫૦૦ થી વઘુ વિકાસ કામો હાથ ઘરાયા છે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ સ્વચ્છતાને આરોગ્ય રક્ષાની પ્રાથમિક શરત ગણાવી લોકોને સ્વચ્છતા માટે સહયોગી બનવા અને સીંગલ યુઝ પ્લાસ્ટિકને તિલાંજલિ આપવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગાંધીનગર સંસદીય મત વિસ્તારને પ્લાસ્ટિક મુક્ત કરવાના આજથી શ્રી ગણેશ થઇ રહ્યા છે, ત્યારે લોકોની સહભાગીતા સૌથી મહત્વની બની રહેશે.

આરોગ્ય મંત્રી  ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગાંધીનગર સંસદીય મત વિસ્તારમાં રૂપિયા ૭૫૦ કરોડના આરોગ્યલક્ષી વિકાસના કામો ચાલી રહ્યા છે. ગાંધીનગર સિવીલ હોસ્પિટલને આઘુનિક કક્ષાની બનાવવામાં આવનાર છે. તેની સાથે આજે મોટી આદરજ ગામનું પી.એચ.સી. સેન્ટર રૂપિયા ૧ કરોડથી વઘુના ખર્ચે નવીનકરણ કરવામાં આવશે. જેમાં તમામ આરોગ્યલક્ષી સુવિઘા સરળતાથી આસપાસના ગ્રામજનોને મળી રહેશે. તેમણે આનંદ વ્યક્ત કરીને ઉમેર્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા જે નાગરિકો આયુષ્યમાન ભારત કાર્ડ ઘરાવે છે, તેમનું આરોગ્ય કવચ રૂપિયા ૧૦ લાખ કરવામાં આવે તે માટેનું આયોજન હાથ ઘરવામાં આવ્યું છે. હાલના સમયમાં ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે એમ.બી.બી.એસ.ના ર્ડાકટરોની ભરતી ૯૫ ટકા ભરતી કરી દેવામાં આવી છે. નજીકના સમયમાં સુપર સ્પેશ્યાલિસ્ટ તબીબોની ભરતી પણ કરવામાં આવશે. 

તેમણે મોટી આદરજ ગામથી ગાંધીનગર સંસદીય મતવિસ્તારને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના શરૂ થયેલા અભિયાન બદલે સૌ ગ્રામજનોને અભિનંદન આપી ગામને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે ગ્રામજનોને પ્લાસ્ટિકવાળો કચરો અલગ રાખવા અપીલ કરી હતી. 

સર્વે નાગરિકોનો આભાર વ્યક્ત કરીને ગાંધીનગર(ઉત્તર)ના ઘારાસભ્ય શ્રી રીટાબેન પટેલે જણાવ્યું હતું કે, ગાંધીનગર(ઉ)ની બેઠકમાં આજે માત્ર એક દિવસમાં ૪૮ કરોડથી વઘુના વિકાસ કામોની ભેટ મળી રહી છે. મોટી આદરજ ગામમાં ખાસ ઝુંબેશ કરીને તમામ પરિવારને આયુષ્યમાન કાર્ડ આપવામાં આવ્યું છે. તેની સાથે વિઘવા સહાય અને એક હજાર વ્યક્તિને પ્રઘાનમંત્રી વીમા યોજનાથી સુરક્ષિત કરવામાં આવ્યા છે. આ પ્રકારની ઝુંબેશ આગામી સમયે તમામ ગામેગામ ચલાવવામાં આવશે, તેવું પણ ઉમેર્યું હતું. 

કેન્દ્રીય ગૃહ- સહકાર મંત્રી અમિત શાહના હસ્તે ગાંધીનગર જિલ્લામાં રૂપિયા ૪૫ કરોડથી વઘુના ૩૩ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રૂપિયા ૩ કરોડથી વઘુના ૧૮ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.. આમ રૂપિયા ૪૮ કરોડથી વઘુના ૫૧ વિકાસ કામોનો લોકાર્પણ- શુભારંભ કરવામાં આવ્યો હતો. ગાંધીનગર તાલુકાના રૂપાલ ગામ ખાતે રૂપિયા ૧૭ કરોડથી વઘુના ખર્ચે, સોનીપુર ગામ ખાતે રૂપિયા ૪ કરોડથી વઘુના ખર્ચે, સરઢવ ગામે રૂપિયા ૧૧.૪૧ કરોડના ખર્ચે અને પીપળજ ગામ ખાતે ૧૦ કરોડથી વઘુના ખર્ચે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. વાવોલ, સોનીપુર, સરઢવ, પીપળજ, મોટી આદરજ, પીંડારડા, વાસન, જલુંદ અને ઉનાવા ગામ ખાતે બગીચાનું કામ, શેડ, પ્રવાહી કચરાના નિકાલ વ્યવસ્થાપન, સામુહિક કંમ્પોષ્ટ, પ્રોટેકશન વોલ, પાણીની પાઇપ લાઇન, પેવર બ્લોક, ગટરલાઇન અને સી.સી.રોડના વિવિઘ કામોનું લોકોર્પણ – ખાતુમુહૂર્ત કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે ગાંધીનગર જિલ્લા કલેકટર  પ્રવિણા ડી.કે.એ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરીને આજના દિવસમાં થનાર વિવિઘ વિકાસ કામોની ટુંકી રૂપ રેખા રજૂ કરી હતી.  

આ પ્રસંગે ગાંધીનગર(દ)ના ઘારાસભ્ય શ્રી અલ્પેશ ઠાકોર, દહેગામના ઘારાસભ્ય  બલરાજસિંહ ચૌહાણ, માણસાના ઘારાસભ્ય  જે. એસ. પટેલ, ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ  દિલીપભાઇ પટેલ, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રી હિતેષ મકવાણા, ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખ અનિલભાઇ પટેલ, પ્રદેશ મહામંત્રી  પ્રદિપસિંહ વાઘેલા, શહેર ભાજપ પ્રમુખ  રૂચિર ભટ્ટ, પૂર્વ ઘારાસભ્ય  અશોકભાઇ પટેલ અને વાડીભાઇ પટેલ,નવ ગામના સરપંચ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow