રાજ્યની જી.આઈ.ડી.સીમાં અનઅધિકૃત બાંધકામોને નિયમિત કરાશે: ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત

Jan 12, 2023 - 19:10
 14
રાજ્યની જી.આઈ.ડી.સીમાં અનઅધિકૃત બાંધકામોને નિયમિત કરાશે: ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત

GIDC વસાહતમાં અનઅધિકૃત બાંધકામને નિયમિત કરવાની નવી નીતિ જાહેર કરતી રાજ્ય સરકાર: ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા અને ગૃહ રાજ્યમંત્રી  હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિ

 ૫૦થી ૩૦૦ચો.મીથી વધુ કદના બાંધકામો નિયત દર લઈ નિયમિત કરાશે

રાજ્યના ઉદ્યોગમંત્રી  બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું છે કે, રાજ્યમાં વધુને વધુ રોજગારીનું સર્જન થાય એ માટે સૂક્ષ્મ, નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો  રાજ્ય સરકારે રાજ્યની જી.આઈ.ડી.સીમાં અનઅધિકૃત બાંધકામોને નિયમિત કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં ૫૦ ચો.મીથી લઈને ૩૦૦ચો.મીથી વધુ કદના બાંધકામો નિયત દર લઈ નિયમિત કરાશે. 

 

ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ લેવાયેલ આ મહત્વના નિર્ણય અંગે રાજ્ય સરકારે નવી નીતિ અમલી કરી છે. એની રાજ્ય ઉદ્યોગમંત્રી  હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં જાહેરાત કરતા મંત્રીશ્રી રાજપૂતે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના "આત્મ નિર્ભર ભારત"ના સપનાને સાકાર કરવા ગુજરાતે પણ "આત્મ નિર્ભર ગુજરાત" થકી "આત્મ-નિર્ભર ભારત"ના નિર્માણનું સપનું સેવ્યું છે. તેને સાકાર કરવામાં આ નિર્ણય મહત્વનો સાબિત થશે.
    
તેમણે ઉમેર્યું કે, ગુજરાત આજે પોલીસી ડ્રીવન સ્ટેટ તરીકે દેશભરમાં મોખરે રહ્યું છે, જેના પરિણામે રોલ મોડલ ગુજરાતમાં વૈશ્વિક રોકાણકારો આજે મીટ માંડીને બેઠા છે. જે માત્રને માત્ર રાજ્ય સરકારની પારદર્શી અને ટેકનોસેવી નીતિઓને પરિણામે શક્ય બન્યું છે. રાજયમાં આવા ઉદ્યોગો થકી સ્થાનિક રોજગારીનું વધુને વધું સર્જન થાય એ આશયથી આ નીતિ અમલી કરાશે.

મંત્રીએ ઉમેર્યું કે, રાજ્યમાં ઔદ્યોગિક વિકાસના હેતુથી જી.આઇ.ડી.સી.ની રચના કરવામાં આવી હતી, પરંતુ ઝડપી ઔદ્યોગિક વિકાસના કારણે જી.આઇ. ડી.સી વસાહતમાં અનઅધિકૃત બાંધકામના બનાવો વધવા પામ્યાછે.આ પ્રકારના બાંધકામ દૂર કરવાથી આર્થિક પ્રવૃત્તિ, રોજગારી અને સંલગ્ન રોકાણ ઉપર નકારાત્મક અસર થવા પામે છે. આ બાબતો ધ્યાને લઇ જી.આઇ.ડી.સી દ્વારા આવા અનઅધિકૃત બાંધકામોને નિયમિત કરવાનો નિર્ણય કર્યો છે, જે આગામી ચાર મહિના સુધી અમલમાં રહેશે. જી.આઇ.ડી.સીએ સૂક્ષ્મ, નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો સ્થાપવા માટે ઉદ્યોગ સાહસિકોને પુષ્કળ તકો આપી મહત્વની ભૂમિકા અદા કરી છે. ગુજરાતમાં હાલમાં ૨૨૦ કરતાં પણ વધુ ઔદ્યોગિક વસાહતો કાર્યરત છે. જેમાં ૭૦,૦૦૦થી વધુ ઔદ્યોગિક એકમો કાર્યરત છે, આ તમામને આ નીતિનો લાભ મળશે.

મંત્રીએ ઉમેર્યું કે, આ નવી નીતિના અમલથી જીઆઈડીસીમાં ૫૦ ચો.મીથી લઈને ૩૦૦ચો.મી થી વધુ કદના બાંધકામો નિયત દર લઈ નિયમીત કરાશે.

તેમણે નિયત કરાયેલા દરોની વિગતો આપતા કહ્યું કે, કુલ બાંધકામ ૫૦ ચો.મી. સુધીનું બાંધકામ નિયત કરવા માટે રૂા.૩૦૦૦ની ફી ભરવાની રહેશે. એ જ રીતે કુલ બાંધકામ ૫૦ ચો.મી.થી વધુ અને ૧૦૦ ચો.મી. સુધી રૂા. ૩૦૦૦ વત્તા વધારાના રૂા.૩૦૦૦,કુલ બાંધકામ ૧૦૦ ચો.મી. થી વધુ અને ૨૦૦ ચો.મી સુધી રૂા.૬૦૦૦ વત્તા વધારાના રૂા.૬૦૦૦,કુલ બાંધકામ ૨૦૦ ચો.મી. થી વધુ અને ૩૦૦ ચો.મી સુધી રૂા. ૧૨૦૦૦ વત્તા વધારાના રૂા.૬૦૦૦,તેમજ કુલ બાંધકામ ૩૦૦ ચો.મી. થી વધુ માટે રૂા.૧૮૦૦૦ વત્તા વધારાના રૂા.૧૫૦ પ્રતિ ચો.મી ૩૦૦ ચો.મી.થી વધારાના વિસ્તાર માટે ભરવાના રહેશે.

તેમણે ઉમેર્યું કે, આ દર રહેણાંક માટે અમલી રહેશે જ્યારે રહેણાંક ઉપરાંત બીજા વપરાશ માટે બે ગણા દર ફાળવણીદાર દ્વારા ચૂકવવાનો રહેશે.  
આ નીતિ અંતર્ગત રહેણાંક તથા વાણિજ્ય વપરાશ માટે કોમન પ્લોટમાં જમીન વપરાશના ૫૦% સુધીનું બાંધકામ નિયમિત કરવામાં આવશે. તેમજ વપરાશમાં ફેરફાર (Change of use) તથા મકાનની વધારાની ઉંચાઇ નિયમિત કરવાની જોગવાઇ રાખવામાં આવી નથી. 

આ ઉપરાંત રહેણાંક વપરાશ માટે ખૂટતાં પાર્કિગ માટે જે તે વસાહતના ફાળવણી દરના ૧૫% તથા રહેણાંક સિવાય અન્ય વપરાશ માટે ફાળવણી દરના ૩૦%ના દરે દંડ વસુલવામાં આવશે. રહેણાંક તથા વાણિજ્ય વપરાશ માટે સી-જીડીસીઆર-૨૦૧૭ના ડી-૯ વર્ગ મુજબ મળતાં મહત્તમ એફ.એસ.આઇ.થી ૫૦% વધારે તથા ઔદ્યોગિક વપરાશ માટે ૩૩% વધારે એફ.એસ.આઇ. નિયમિત કરવાની જોગવાઇ કરવામાં આવી છે.

મંત્રીશ્રીએ ઉમેર્યું કે, આ જોગવાઇઓ જોખમી અને હાનિકારક (hazardous /obnoxious) ઉદ્યોગોને લાગુ પડશે નહિ તથા પ્લોટની બહાર કરવામાં આવેલ કોઇ પણ બાંધકામને નિયમિત કરવામાં આવશે નહીં. અરજદાર દ્વારા નિયત નમૂનામાં અને નિયત પદ્ધતિથી આ નીતિના પરિપત્ર થયેથી ચાર મહિનાની અંદર અરજી કરવાની રહેશે. આ વિનિયમો કાયમી નથી તથા આ પરિપત્રની તારીખથી અગાઉ કરેલ બાંધકામ ઉપર લાગુ પડશે.

અત્રે ઉલ્લેખનીય છે કે,વર્ષ ૧૯૬૨માં જીઆઇડીસીની સ્થાપના થયા પછી અત્યારસુધી ગુજરાત રાજયના ઔદ્યોગિક વિકાસમાં જી.આઇ.ડી.સીનો મહત્વનો ફાળો રહ્યો છે અને આજે ગુજરાત કેમીકલ, પેટ્રોકેમીકલ, ઓટો, ફાર્માશ્યુટીકલ, એન્જીનીયરીંગ, ટેક્ષટાઇલ અને જવેલરી જેવા ઉદ્યોગોમાં બીજા રાજયોની સરખામણીમાં આગળ છે ત્યારે આવા ઉદ્યોગકારો માટે આ નવી નીતિ પ્રેરક બળ પુરૂ પાડશે. 

આ પ્રસંગે ગાંધીનગર ખાતે ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, જી.આઈ.ડી.સીના ઉપાધ્યક્ષ શ્રી રાહુલ ગુપ્તા સહિત ઉચ્ચ અધિકારીઓ, ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ, ફેડરેશન ઑફ ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના હોદ્દેદારો તથા જિલ્લા કક્ષાએ વિવિધ ઉદ્યોગગૃહોના પ્રતિનિધિઓ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સહભાગી થયા હતા.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow