ભગવાન શ્રી કૃષ્ણએ કરી દેશળ ભગતની નોકરી

ભગવાન શ્રી કૃષ્ણએ કરી દેશળ ભગતની નોકરી

Jan 12, 2023 - 18:05
 22
ભગવાન શ્રી કૃષ્ણએ કરી દેશળ ભગતની નોકરી
lord_krishna_did_the_job_of_desal_bhagat

ભગવાન શ્રી કૃષ્ણએ કરી દેશળ ભગતની નોકરી

ભજનની તાકાત ભગવાનના હાજરા- હજુર કરી દ્યે છે

ધ્રાંગધ્રા: 
ભજનમાં કેટલી તાકાત નામમાં કેટલી તાકાત હોય છે અને કૃષ્ણ આજે પણ કેટલા સાક્ષાત છે તેનો એક પ્રસંગ છે. ફક્ત 80 વર્ષ પેલા ની જ વાત છે.

ધાંગધ્રા સ્ટેટના સર અજીતસિંહ નામના રાજકુમાર રાજકોટમાં રાજકુમાર કોલેજમાં અભ્યાસ પૂરો કર્યા પછી પરત ફરતા તેઓનું રાજ તિલક થયું. રાજા બન્યા છતાં તેઓ રાજાનો પોશાક ન પહેરતા માત્રને માત્ર મિલીટરીના જ કપડાં પેહરતા.  આટલા બધા રાજા રજવાડા થઈ ગયા પણ સર અજીતસિંહની હાક એવી પડે કે બધા જ બારવટીયાઓ તેનાથી થર-થર ધ્રુજે.

ધાંગધ્રા સ્ટેટની જેલમાં જેલર તરીકે નોકરી કરતું પાત્ર એટલે દેશળ ભગત. ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત. ભજનની લગની એટલી કે વાસ્તવિક પરિસ્થિતી બધી જ ભૂલી જાય.

એક રાતની વાત છે. રાતની ડ્યુટી પર દેશળ અને તેના બે સાથી મિત્રો. બંને સાથી મિત્રોને દેશળના ભજન પ્રેમ વિશે ખ્યાલ. રાતે દસેક વાગે દૂર દૂર કુંભારવાડેથી ભજન અને કરતાલનો અવાજ આવ્યો અને વારે વારે દેશળનું મન પણ ત્યાં જાય. દેશળના એક મિત્રે કહ્યું " વિશ્વાસ" છે અમારી પર ! તો ચાવી અમને આપ અને જા તારે ભજનમાં જવું હોય તો. પણ દેશળ આ "સર અજીતસિંહ"ની જેલ છે એ ધ્યાન રાખજે ને બે ભજન ગાયને પાછો આવી જજે. દેશળ ચાવી સોંપીને ત્યાંથી ભજન માટે નીકળી ગયા. રાતના 11 વાગે રામસાગર હાથમાં આવ્યો અને કૃષ્ણ હારે તાર લાગ્યો. પણ કેટલાક સિપાઈઓએ દેશળને ભજનમાં જોયો. તેમને સર અજીતસિંહના કાન ફૂક્યા. બરાબર સવા બે વાગે ઘોડાની ડાબ સંભળાણી. સર અજીતસિંહ તેના સાથીદારની ફોજ સાથે જેલે આવ્યા... અને હાકલો કર્યો.. દેશળ, ઓ દેશળ! ને અંદરથી અવાજ આવ્યો, 
જી સરકાર.. 
અજીતસિંહ બોલ્યા: સબ ખેરીયત, બહાર આવો. દેશળે બહાર આવીને કહ્યું: જી બાપુ, બધુ બરાબર.

અજિતસિંહ ત્યાંથી નીકળી ગયા. બે દિવસ પછી પણ ફરી આજ ધટના બની. પણ આ વખતે જે લોકોએ તેમની કાન ભંભેરણી કરી હતી તેમણે અજીતસિંહને કહ્યું, બાપુ જેમ જેલે પાછા આવો છો એમ કુંભારવાડો ક્યાં આઘો છે? ત્યાં પણ જોઈ લ્યો. દેશળ ત્યાં ભજનમાં જ છે. આ તો અજીતસિંહ હતા. દરબારે જવાબ આપ્યો: જેલ મારી છે ત્યાં મારાથી તપાસ ન થાય. અહી દેશળ હાજર છે કહીને અજીતસિંહ ત્યાંથી નીકળી ગયા.

સવારે ચાર વાગે પરોઢીએ દેશળે તેના સાથી મિત્રોને કહ્યું.. માફ કરજો, ભજનમાંથી આવતા મોડું થઈ ગયું સરકાર આવ્યા હતા??

તેના સાથી મિત્રોએ કહ્યું, ગાંડો થયો છે કે શું દેશળ??

રાત્રે બે વાગે તું આવ્યો, મેં તને ચાવી પાછી સોંપી. સવા બે વાગતા સરકાર આવ્યા અને તે હાજરી પણ પુરાવી. આ રહ્યા તારા અને દરબારના પગલા. આ જગ્યા એ તો તું ઉભો હતો.

દેશળ ભગત સ્તબ્ધ થઇ ગયા. તેના પગલાની ધૂળને માથે ચડાવવા લાગ્યા. અને બોલ્યા, આ પગલાં મારા નહિ પણ મારા દ્વારકાધીશના છે. હું તો ભજનમાં હતો. કહી દેહળ ત્યાંથી નીકળી ગયા.

તેના સાથી મિત્રોને પણ હરખના આંસુ આવી જાય.. વાહ દેશળ વાહ! ધન્ય છે તારી ભક્તિને.. આજે તારા કારણે અમારું પણ જીવન ધન્ય થયું કે અમે 2 કલાક દ્વારકાધીશ સાથે નોકરી કરી.

બીજે દિવસે દેશળ સામેથી અજીતસિંહના દરબારમાં ગયા. દરબારે કહ્યું, કઈ કામકાજ દેશળ?

 ના બાપુ કઈ નહીં, પણ મારે હવે નોકરી નથી કરવી. એટલે રાજીનામુ દેવા આવ્યો છું. અજીતસિંહ: ”અરે ગાંડા બીજા ભલે ને ગમે એમ કે, મે તને કંઈ કહ્યું? 

ભલેને મારે બીજાની કાન ભંભેરણીથી રોજ જેલે આવવું પડે એટલું જ ને?

દેશળ ભગતે કહ્યું.. એ જ તો વાંધો છે બાપુ ! તમારે તો રોજ મહેલેથી જેલે ધક્કો થાય પણ મારા નાથને તો મને બચાવવા રોજ દ્વારકાથી ધક્કો થાય, એ મને કેમ પોસાય?

સર અજીતસિંહ સમજે ન સમજે દેશળ ભગત ત્યાંથી નીકળી ગયા. અને પુરી જીંદગી કૃષ્ણ નામ કરી દીધી.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow