હરસ-મસા-પથરીથી પીડાઓ છો? રાજકોટ નજીક ભીચરી માતાએ જાઓ, લપસિયાઁ ખાઓ!

rajkot,bhichrimata,

Jan 3, 2023 - 16:35
Jan 3, 2023 - 16:36
 17
હરસ-મસા-પથરીથી પીડાઓ છો? રાજકોટ નજીક ભીચરી માતાએ જાઓ, લપસિયાઁ ખાઓ!
are_you_suffering_from_hemorrhoids_go_to_bhichari_mata_near_rajkot_eat_lapsia

હરસ-મસા-પથરીથી પીડાઓ છો? રાજકોટ નજીક ભીચરી માતાએ જાઓ, લપસિયાઁ ખાઓ!

દર્દ નિવારણ થતાં શ્રધ્ધાળુઓ નમક (મીઠું) ચઢાવવાની માનતા પૂરી કરે છે

5500 વર્ષ પૂર્વે પાંડવો પણ અહીં દર્શનાર્થે આવી ચુક્યા છે

રાજકોટ: ગુજરાતમાં માતાજીના અનેક સ્થાનકો છે. તમામ મંદિરો પોતાનું આગવું મહત્વ ધરાવે છે. ભક્તો અલગ- અલગ મંદિરોમાં અલગ-અલગ પ્રકારની માનતા માનતા હોય છે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે ગુજરાતમાં એક એવું મંદિર આવેલું છે જ્યાં માતાજી જટીલ રોગો મટાડે છે, જેના બદલામાં ભક્તો માતાજીને નમક ચડાવે છે. તેમજ માનતા પૂરી થતાં મંદિરમાં સાત લપસિયા ખાવાની પ્રથા છે. રાજકોટને અડીને આવેલા ભીચરી ગામમાં ભીચરી માતાજીનું મંદિર આવેલું છે. કૃદરતી વાતાવરણ વચ્ચે અને ડુંગર ઉપર બિરાજમાન ભીચરી માતાનું ખૂબ પૌરાણિક મહત્વ છે. જ્યાં રાજયભરમાંથી અનેક લોકો માતાજીના દર્શનાર્થ આવે છે.

મંદિર વિશે વાત કરતાં પૂજારી પિન્ટુભાઈ ગોંડલિયાએ જણાવ્યું હતું કે કોઈ પણ માણસ અહીંથી નિરાશ થઈને નથી જતો. માતાજી ભક્તોની તમામ પ્રકારની મનોકામના પૂરી કરે છે. માતાજીની માનતા માનવાથી ધોળા ડાઘ, હરસ-મસા, ખરજવું, રસોડી, કપાસી, વા, પથરી, આંખ- કાન તેમજ હાથ-પગનો દુખાવો જેવા રોગો છે. પૂજારીએ જણાવ્યું થાય હતું કે અહીં નમકની માનતા રાખવામાં આવે તમે જેટલા કિલો નમકની માનતા રાખો અને તમારું કામ પૂરું થઈ થાય તો તમારે તેનાથી ડબલ નમક ચઢાવવાનું રહે છે.

મંદિરની બાજુમાં જ એક લપસિયું છે. આ લપસિયા પર લપસવાથી અનેક રોગો દૂર થાય છે. અહીં દર્શન કરવા આવે તેમને એક વાર તો લપસીયું ખાવું જ પડે. અને જે લોકોને માનતા હોય તેમણે ફરજિયાત સાત લપસિયા ખાઈને જ માનતા પૂરી કરવાની રહે છે પુજારીએ કહ્યું કે આ મંદિર ૫૫૦૦ વર્ષ એટલે પાંડવો વખતનું જૂનું મંદિર છે. ચોટીલા પાસેના તરણેતરમાં પાંડવોએ મત્સ્યવેધ બાદ અહીં ભીચરી માતાના દર્શન કરવા આવેલા હતા. અને તેમણે પણ અહીં લપસિયા ખાધા હતા. લપસિયું ઘસાઈ ગયું છે. જે બનાવેલું નથી પણ કુદરતી પથ્થરમાંથી બનેલું લપસિયું છે.

પિન્ટુભાઈ ગોંડિલાએ કહ્યું કે આજની તારીખમાં પણ અહીં કોઈ રાત નથી રોકાઈ શકતું. અમે પૂજારી છીએ છતાં રાત નથી રોકાતા. જ્યારે રામદાસબાપુ અહીં પૂજા કરતાં અને હું નાનો હતો ત્યારે એક અઘોરી આવેલા અને કહ્યું કે મારે અહીં રાત રોકાવું છે. તો રામદાસ બાપુએ ના પાડી કે અહીં રાત્રિ રોકાણ શક્ય નથી અને માતાજીની મનાઈ છે. ગામના પાંચ લોકોએ પણ અઘોરીને આવું કરવાની ના પાડી. છતાં અઘોરીએ કહ્યું કે હમ તો અઘોરી હૈ, રાત કો સ્મશાનમાં રહેતે હૈ, હમકો કુછ નહીં હોતા. અઘોરી જીદ કરીને રહ્યા અને સવારે આવીને જોયું તો પગથિયા પર અઘોરી પડ્યા હતા અને તેમનો જીવ નીકળી ગયો હતો. પૂજારીએ ઉમેર્યું કે ભીચરી માતા એટલે ખોડિયાર માતાજીનો જ અવતાર છે. અહીં સાતેય બહેનો બીરાજમાન છે અને બાજુમાં ખોડિયાર માતાજીનો ભાઈ મેરખિયો પણ બીરાજમાન છે. આવું તમને ભાગ્યે જ જોવા મળશે કે કોઈ ખોડિયાર માતાજીના મંદિરમાં તેમનો ભાઈ મેરખિયો પણ બીરાજમાન હોય. પણ અહીં માતાજીને ખોડિયાર માતા ન કહેવાય પણ ભીચરી માતા જ કહેવા પડે. તેમણે કહ્યું કે આ મંદિરમાં ૧૨ મહિનામાં એક વખત અષાઢી બીજ પર ઉત્સવ આવે છે. આ પ્રસંગે અહીં લાપસી મહોત્સવ થાય છે. દર રવિવારે મંદિર તરફથી અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે. બુંદી, ગાંઠિયા, ખીચડી, બટાટાનું શાક અને છાસનું ભોજન જમાડીએ છીએ. તેમણે કહ્યું કે અહીં જામનગર, જૂનાગઢ, અમદાવાદ, સુરત અને મુંબઈ એમ ચારેબાજુથી ઠેર-ઠેરથી લોકો માનતા કરવા આવે છે. ઘણા લોકો વીડિયો જોઈને ઘરેથી માનતા રાખે છે અને તેમની મનોકામના પણ પૂરી થાય તો તેઓ નમક ચડાવવા આવે છે. રાજકોટ પાસેના ભિચરી ગામ ( પ્રદ્યુમન પાર્કથી આગળ)માં આ મંદિર આવેલું છે. અમદાવાદ હાઈવેથી જવું હોય તો માલિયાસણ ગામથી જઈ શકાય છે. તેમજ ભાવનગર હાઈવેથી જવું હોય તો મહિકા ગામ થઇને મંદિરે પહોંચી શકાય છે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow