વાગડનું રણકાંધીનું ગામ સુખપર
"સુખપર તારી સોવાણ ' બીજે મન લાગે નહિ
હાલો જઈએ ગોવિંદ વારે ગામ ' તેદી દુઃખ ભાંગશે દેભડો"
રાપર તાલુકાના નાના રણને અડી ને આવેલું અને રણકાંધીનું ગામ અને તાલુકા મથક થી ૫૪ કિલોમીટરના અંતરે અને વાગડની ઐતિહાસિક જગ્યા વરણું થી પાંચ કિલોમીટરના અંતરે આવેલું સુખપર ગામ છે.વાગડ વિસ્તારમાં દરેક ગામોનો ઈતિહાસ રહેલો છે તેવો જ ઈતિહાસ સુખપર ગામનો છે. સુખપર ગામ વિશે તેની એક લોક પ્રચલિત દુહો સાક્ષી પૂરે છે. જેમાં જણાવે છે કે સુખપર તારી સોવાણ એટલે કે સુવાસ અને કોઈ પણ કમી ન રહે તેવી રીતે રાખવા કોઈ તકલીફ કે અગવડ ન પડવા દેવી તેને કહે છે અને બીજી લિટીમાં કહ્યું છે કે હાલો જઈએ ગોવિંદ વારે ગામ એટલે કે આ ગામની સ્થાપના ગોવિંદ આહિરે કરેલી હતી.અને છેલ્લે કહ્યું છે કે દુઃખ ભાગશે દેભડો એટલે એક આહીર મર્દ માણસ હતો જેનું નામ દેભડો હતું જેમના પર દરેક માણસને આશા રહેતી હતી.
સુખપર ગામની સ્થાપના ગોવિંદ આહિરે કરી હતી અને ગામમાં તળાવ ખોદાવ્યું અને તળાવને કાંઠે સુખેશ્વર મહાદેવની સ્થાપના કરી અને ગામનું તોરણ બાંધ્યું હતું. સુખપર ગામ મૂળ આડેસર જાગીરની હદમાં વસ્યું હતું. ગામની સ્થાપના વખતે ગોવિંદ આહિર સાથે છ ઘર આહિર,એક ઘર સુથાર, બે ઘર બ્રાહ્મણ દુધેસા શાખના, એક ઘર લોહાણા, એક ઘર વાણિયા, એક ઘર લુહાર, એક ઘર અનું. જાતિ એમ કરી ને ગામની સ્થાપના કરેલી અને ગામના ઝાંપે મુરાભાઈ આહીર નો પાળિયો આવેલો છે. તેમણે હિંગળાજ માતાજીની પદયાત્રા કરેલી હતી. મુરાભાઈ આહીર એ આડેસર થી રિસાઈ ને આવેલા અને ખોડ ગામ ગયેલા ત્યાંથી મનાવીને સુખપર આવેલા હતા. સુખપર ગામમાં આજે એક પણ ઘર બ્રાહ્મણનું નથી આજે પણ અમદાવાદ, ઝીંઝુવાડા અને અલગ અલગ સ્થળે સ્થાયી થયેલા છે અને આજે પણ તેમના દેવી દેવતાઓ ગામમાં છે એટલે અવારનવાર દર્શનાર્થે આવતા રહે છે. સુખપર ગામમાં હાલમાં વસ્તીમાં આહીરો, રબારી, કોલી ઠાકોર, ગોસ્વામી, બાવાજી, લુહાર અનુ. જાતિ વગેરે સંપી ને સાથ સહકાર થી રહે છે. સુખપર ગામમાં હાલે મરડવાસ, કોલીવાસ, હેઠવાડિયાવાસ, અનુ. જાતિ વાસ આવેલા છે.
સુખપર ગામમાં અલગ અલગ નામો ધરાવતો સીમાડો આવેલો છે જેવા કે અઘાટીયા, સુઈયાવાળા, પાણીયારા, લીબારા,રાનીયા, તેમજ જાગાસર તળાવ છે તેમજ સિંચાઇ માટે ખારવા ડેમ મોટું તળાવ છે અને ગામમાં એક તળાવ જે ગામ તળાવ તરીકે ઓળખાય છે તેમાં એક મીઠો કૂવો આવેલો છે જેમાંથી અત્યારે પણ ગામ આખું પાણી પીવે છે અને ગમે તેવા દુષ્કાળમાં પણ પાણી ખૂટતું નથી અને એક વખત નાંદાથી ઊંટો તરસ્યા આવેલા ત્યારે આખું ગામ ભેગું થઈ ને કૂવામાંથી પાણી સીંચી ને પાણી પીવડાવેલ હતું એવું તો ગામ દયાળુ છે તેવું પાતાભાઈ આહિરે જણાવ્યું હતું. સૂખેશ્વર મહાદેવની પૂજા કરતા પૂજારી એ જણાવ્યું હતું કે ગામમાં ૧૯૯૩ માં બનેલું રામ મંદિર તેમજ સુખેશ્વર મહાદેવ, સૈયર માતાજી , શક્તિ માતાજી, હનુમાન મંદિર, વરણેશ્વર દાદા, ચામુંડા માતાજી મંદિર, મેલડી માતાજી, પાબુદાદા વગેરે મંદિરો આવેલા છે.આશરે ત્રણસો થી સાડા ત્રણસો વર્ષ જેટલું જૂનું ગામ હોય એવું લાગે છે.
સુખપર ગામને લોકમુખે મુરીબહેન પટેલાણી વારુ ગામ પણ કહે છે જેના પાછળ પણ એક ઈતિહાસ છૂપાયેલો છે. મુરીબેન આહિર હતા પરંતુ ગામ પટેલ પહેલાના સમયમાં પદવી આપવામાં આવતી હતી એક દિવસ મુરીબેનના પતિ બહાર ગામ ગયેલ હતા અને કચ્છના રા,બાવા ની ફોજ આવેલી અને ત્યારે સેનાપતિ એ કહેલું કે ક્યાં પટેલ ઘરે નથી તો તેમણે કહ્યું કે બહાર ગામ ગયા છે!કામ બોલો ત્યારે સેનાપતિ એ કહેલું કે આખી સેનાને જમવું છે તો પટેલ ઘરે નથી તો શક્ય નથી ત્યારે મુરીબેન કહેલું કે હું આહીરાણી છું અને હું ઘરે છું અને આખી સેનાને મારા ગામમાં થી ભૂખી નહિ જવા દઉં અને ત્યારે સેનાપતિ એ કહેલું કે બેન ૧૦૦ કરશી બાજરો જોઈએ ત્યારે બધા જ જમી શકશે અને ત્યારે એકલા આહીરાણી એ આખી કચ્છની સેનાને જમાડેલી હતી એટલે આજે પણ ગામ મુરીબેન પટેલાણી વારુ તરીકે ઓળખાય છે.એક વખત સુખપર ગામના લોકોને ભુજ જેલમાં કોઈ કારણસર પૂરવામાં આવેલા હતા ત્યારે તેમણે કહેલું કે અમે મૂરીબેન પટેલાણીના ગામના છીએ અને તરત છોડી મૂકવામાં આવેલા હતા અને કચ્છના રાજા એ પણ અન્નનું ઋણ અદા કરેલું હતું.
સુખપર સ્વતંત્ર ગ્રામ પંચાયત છે. સુખપર ગામની વસ્તી ૧૨૫૧ છે.જેમાં ૬૬૦ પુરુષ અને સ્ત્રી ૫૯૧ છે અને ૨૩૧ ઘર આવેલા છે અને સાક્ષરતાનું પ્રમાણ ૩૫.૩ ટકા છે. સુખપર ગામની જમીન ૩૧૯૮.૧૫ હેકટર છે. ગામમાં આગણવાડી તેમજ પ્રાથમિક શાળા, પેટા આરોગ્ય કેન્દ્ર આવેલું છે અને જીવણભાઈ આહીર એ જણાવ્યું હતું કે સરહદી વિસ્તારમાં જો આ ગામમાં માધ્યમિક શાળા શરૂ કરવામાં આવે તો અનેક અગરીયા પરિવારો અને આસપાસના નાના મોટા ગામના વિદ્યાર્થીઓ ભણી શકે હાલમાં આડેસર ઉતર બુનિયાદી શાળામાં અને વધારે અભ્યાસ માટે શહેરમાં જવું પડે છે અને અહીંયા નર્મદાની પેટા કેનાલ જો આવે તો અનેક બંજર પડેલી જમીનમાં કાચું સોનું એટલે કે જીરું નો મબલખ પાક થાય તેમ છે તેમજ "જલ સે નલ" યોજના અંતર્ગત હર ઘરે નર્મદાનું પાણી આવે તેવી ખાસ જરૂરિયાત છે.સુખપર ગામના લોકો ચોમાસામાં ચેકડેમોમાં જે પાણી સંગ્રહિત થાય છે તેમાંથી પિયત કરે છે.જો દુષ્કાળ પડે ત્યારે અનેક ઘર પરિવારો હિજરત કરી ને બહાર જાય છે.
What's Your Reaction?