મકરસંક્રાંતિ પર્વ દરમ્યાન એક પણ પક્ષીનો જીવ ન જાય તેવી સંવેદના સાથે તહેવાર ઉજવીએ:- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

Jan 13, 2023 - 16:33
 20
મકરસંક્રાંતિ પર્વ દરમ્યાન એક પણ પક્ષીનો જીવ ન જાય તેવી સંવેદના સાથે તહેવાર ઉજવીએ:- મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ

દરેક જીવની દરકાર એ સરકારનું દાયિત્વ છે
તહેવારો અને ઉત્સવો કોઈપણ જીવ માટે ઘાતક ના બને તેની પણ કાળજી લઇએ
કરૂણા અભિયાનને સફળ બનાવવા પશુપાલન, વન વિભાગ, કોર્પોરેશન સહિતના વિવિધ વિભાગો અને સ્વૈચ્છિક સંસ્થાઓ સહભાગી થશે
આ વર્ષે કરૂણા અભિયાનમાં ૭૦૦ થી વધુ ડૉક્ટર્સ અને સંસ્થાઓ-૮૦૦૦ જેટલા સ્વયંસેવકો સેવા આપશે 
અત્યાર સુધીમાં કરૂણા અભિયાન અન્વયે ૭૦ હજારથી વધુ પક્ષીઓની સારવાર 
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે દસક્રોઈના બીલાસિયા ખાતે અંદાજિત રૂપિયા ૨.૭૨ કરોડના ખર્ચે તૈયાર થયેલા વન્યપ્રાણી પુનર્વસન કેન્દ્રનું ઇ-લોકાર્પણ

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાયણના તહેવારો દરમ્યાન પતંગ દોરા-પતંગથી ઘાયલ થતા પક્ષીઓના જીવ બચાવવાના જીવદયા ભાવ સાથે રાજ્યવ્યાપી કરૂણા અભિયાન અંતર્ગત ૧૦ દિવસ સુધી સઘન રીતે હાથ ધરાઇ રહેલા અભિયાનમાં સહયોગી સંગઠનો અને રાજ્ય સરકારના વન, પશુપાલન સહિતના વિભાગોના કર્મયોગીઓ સાથે સંવેદનાસભર સંવાદ સાધી માર્ગદર્શન પુરૂં પાડયું હતું. મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, દરેક જીવની દરકાર એ સરકારનું દાયિત્વ છે. સરકારના આ દાયિત્વનું ઉત્કૃષ્ટ ઉદાહરણ કરૂણા અભિયાન છે એમ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીએ જણાવ્યું  કે, આપણે સૌ જીવનમાં તહેવારો અને ઉત્સવો ઉજવીએ પણ આ તહેવારો અને ઉત્સવો કોઈપણ જીવ માટે ઘાતક ના બને તેની પણ કાળજી લેવી જોઈએ. આપણી તો સંસ્કૃતિમાં જ છોડમાં રણછોડ જોવાના ભાવની છે ત્યારે સૌ જીવોની રક્ષાની ચિંતા આપણે સૌએ કરવી જોઈએ એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે સમાજ સેવી સંસ્થાઓ અને સ્વૈચ્છિક સંગઠનોને બિરદાવતા કહ્યું કે, આ કરુણા અભિયાનમાં રાજ્યની સમાજ સેવી સંસ્થાઓ અને એન.જી.ઓ ખૂબ જ આગળ આવીને જીવદયાનું કાર્ય કરી રહી છે એ અભિનંદનને પાત્ર છે.

ગુજરાતમાં મકરસંક્રાતિ દરમિયાન ઘાયલ પક્ષીઓના જીવ બચાવવા-જીવદયાને પ્રાધાન્ય આપવા વ્યાપક સ્વરૂપે કરૂણા અભિયાનનું આયોજન કરવામાં આવે છે. રાજ્યભરની જીવદયા સંસ્થાઓએ અભિયાન સફળ બનાવ્યું છે. વન વિભાગ, પશુપાલન વિભાગ, મહાનગરપાલિકા તંત્ર પણ આ અભિયાનમાં સક્રિયતાથી પશુપંખીઓના જીવ બચાવવાનું, ઘાયલ પક્ષી સારવારનું જીવદયા કાર્ય કરે છે. 
આ અવસરે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે દસક્રોઈના બિલાસિયા ખાતે વન્યપ્રાણી પુનર્વસન કેન્દ્રનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું.

આ નવનિર્મિત રીહેબીલેશન સેન્ટરમાં કુદરતી તેમજ આકસ્મિક રીતે ઘાયલ થયેલા જીવોની સારવાર તેમજ જંગલમાંથી માનવ વિસ્તારમાં આવી ગયેલા પ્રાણીઓના પુનર્વસન માટે અહીં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.૨૩ હજાર ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું આ પુનર્વસન કેંદ્ર અંદાજિત રૂ. ૨.૭૨ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. આ સેન્ટર ઓપીડી રૂમ, ઓપરેશન સેન્ટર, વેટરનરી ઓફિસ, ફોરેસ્ટ સ્ટાફ રૂમ રિકવરી રૂમ તેમજ કોન્ફરન્સ રૂમ જેવી અત્યાધુનિક સુવિધાઓથી સજજ છે.વન વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી અરુણકુમાર સોલંકીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, રાજ્યમાં ઉત્તરાયણ પર્વમાં ઘાયલ પક્ષીઓને બચાવવાનું આ અભૂતપૂર્વ અભિયાન છે. તા. ૧૦ થી ૨૦ જાન્યુઆરી દરમિયાન યોજાનાર આ અભિયાનને સફળ બનાવવા પશુપાલન, વન વિભાગ, મહાનગરપાલિકાઓ અને વિવિધ  સ્વૈચ્છિક સંસ્થાઓ સહભાગી બની છે.રાજ્યમાં મકરસંક્રાંતિ પર્વ દરમિયાન એકપણ પક્ષીનો જીવ ન જાય તે માટે પશુપાલન વિભાગ, વન વિભાગ દ્વારા પક્ષીઓની પ્રી-પોસ્ટ સારવાર માટે ICU, એમ્બ્યુલન્સ, પશુ-પંખીઓની સારવાર માટે ૧૯૬૨ હેલ્પલાઇન સહિતની જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે તેમાં સહભાગી થવા સ્વૈચ્છિક સંસ્થાઓને તેમણે અપીલ પણ કરી હતી.  

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ૨૦૧૭ થી ઉત્તરાયણ પર્વ દરમ્યાન પતંગ દોરાથી પક્ષીઓને ઘાયલ થતાં બચાવવા માટે અને ઘાયલ પક્ષીઓને સારવાર આપવા માટે દસ દિવસીય 'કરુણા અભિયાન' હાથ ધરવામાં આવે છે. 
અત્યાર સુધીમાં આ અભિયાન અંતર્ગત ૭૦,૦૦૦ થી વધુ પક્ષીઓની સારવાર કરવામાં આવી છે. આ વર્ષે આ અભિયાનમાં ૭૦૦થી વધુ ડોક્ટર્સ અને ૮૦૦૦થી વધુ સ્વયંસેવકો તથા ૭૦૦થી વધુ સંસ્થાઓ સેવા આપવાની છે.  
ઘવાયેલા પશુ પક્ષીઓની સારવાર માટે કરુણા એનિમલ એમ્બ્યુલન્સની સેવા પણ ઉભી કરવામાં આવી છે.

આ અભિયાન અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા હેલ્પલાઇન નંબર ૧૯૬૨ તેમજ વોટ્સઅપ નંબર  ૮૩૨૦૦૦૨૦૦૦ જાહેર કરવામાં આવ્યો છે. અમદાવાદ વન વિભાગ દ્વારા 24 કલાક કાર્યરત હેલ્પલાઇન નંબર ૭૬૦૦૦૦૯૮૪૫/૪૬ પણ જાહેર કરવામાં આવ્યો છે તેના પર પણ સંપર્ક કરી શકાશે.

આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રીશ્રી મૂળુભાઈ બેરા, અમદાવાદના મેયર  કિરીટભાઈ પરમાર, ધારાસભ્ય અમિતભાઇ શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન  હિતેશભાઈ બારોટ, પશુપાલન સચિવ ભીમજીયાણી, પશુપાલન વિભાગ અને વન વિભાગ સહિત વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના અધિકારીઓ તથા જીવદયા પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow