રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના વરદહસ્તે સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ, ધ્રાંગધ્રા ખાતે મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલનું શિલાપૂજન કરાયું

Jan 16, 2023 - 11:52
 24
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના વરદહસ્તે  સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ, ધ્રાંગધ્રા ખાતે મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલનું શિલાપૂજન કરાયું

ગ્લોબલ વોર્મિંગ પ્રકૃતિ સાથે મનુષ્યે કરેલી છેડછાડનું પરિણામ
પ્રકૃતિની અણમોલ ભેટ સમાન હવા, પાણી અને જમીનને 
મનુષ્યની લાલચ અને અવિચારી પ્રવૃત્તિઓએ દૂષિત કર્યા
ભારતને વિશ્વગુરુ બનાવવાના અભિયાનમાં વડાપ્રધાનશ્રીને સહયોગ કરવો સૌની ફરજ છે
ગુરુકુળોમાં સમાજવાદની ભાવના સાચા અર્થમાં ચરિતાર્થ થતી જોવા મળે છે
ભારતીય ગુરુકુળ પરંપરાનો ઉદ્દેશ્ય પોતાને અને સમાજને
 સાચા અર્થમાં સુખી કરે તેવા જવાબદાર નાગરિકના નિર્માણનો છે
મનુષ્યદેહનો ઉપયોગ રાષ્ટ્ર, સમાજના કલ્યાણ અને 
સેવા અર્થે કરવા આહવાન કરતા રાજ્યપાલ

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વરદહસ્તે ઉત્તરાયણે  સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ, ધ્રાંગધ્રા ખાતે મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલનું શિલાપૂજન કરવામાં આવ્યું હતું. ઉત્તરાયણના તહેવાર પ્રસંગે સૌને શુભેચ્છાઓ પાઠવતાં રાજ્યપાલએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, ભારતીય પરંપરા અનુસાર જન્મથી મૃત્યુ વચ્ચેના સમયમાં ધર્મ, પરોપકાર અને દુઃખીઓની સેવા કરવાથી જ મનુષ્ય જન્મ સફળ ગણાય છે ત્યારે ધ્રાંગધ્રા જેવા નાના શહેરમાં દાતાઓના સહયોગથી ૧૦૦ બેડની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું નિર્માણ થાય તે પ્રશંસનીય ઉપક્રમ છે. દાતાઓને આ માટે અભિનંદન પાઠવતાં રાજ્યપાલએ જણાવ્યું હતું કે માનવ શરીર માત્ર ખાવા-પીવા અને આરામ માટે નથી પરંતુ ધર્મ, અર્થ અને કામ કરતા-કરતા મોક્ષની પ્રાપ્તિ અર્થે છે એ ધ્યાનમાં રાખી સૌએ વરદાનરૂપે મળેલા આ મનુષ્યદેહનો ઉપયોગ રાષ્ટ્ર અને સમાજના કલ્યાણ અને સેવા અર્થે કરવા પ્રવૃત થવું જોઈએ.  

વર્તમાન સમયમાં વિશ્વના અલગ-અલગ ભાગોમાં પ્રાકૃતિક આપદાઓના વધી રહેલા પ્રમાણ અને હવામાનના તીવ્રતમ ફેરફારો વિશે વાત કરતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે ગ્લોબલ વોર્મિંગ પ્રકૃતિ સાથે આપણે કરેલી છેડછાડનું  પરિણામ છે. પ્રકૃતિની વિના મૂલ્યે મળેલી અણમોલ ભેટ સમાન હવા, પાણી અને જમીનને મનુષ્યની લાલચ અને અવિચારી પ્રવૃત્તિઓએ દૂષિત કર્યા છે. જીવન માટે આવશ્યક આ તત્વો  દૂષિત થતા કેન્સર, ડાયાબીટીસ, બી.પી. સહિતના રોગોમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે અને સરેરાશ સ્વાસ્થ્ય કથળ્યું છે ત્યારે આપણે સૌએ સમયસર ચેતી જઈને પ્રાકૃતિક ખેતી સહિત પ્રકૃતિએ બનાવેલી વ્યવસ્થામાં ખલેલ ન પડે તે પ્રકારની જીવનશૈલી અપનાવી જોઈએ. ખાનપાન સહિત આધુનિક જીવનશૈલીની મનુષ્યના સ્વાસ્થ્ય અને પ્રકૃતિ માટે હાનિકારક  બાબતોને ત્યજી આપણા વડવાઓએ અપનાવેલી સાત્વિક જીવનશૈલી અપનાવવા તેમણે ટકોર કરી હતી. સમગ્ર સૃષ્ટિ માટે જવાબદારી અને કાળજીની ભાવના જ આપણને ભાવિ આફતોથી અને ધરતીને વિનાશથી બચાવશે. 

કોરોનાની વૈશ્વિક મહામારીમાં સરકારે લીધેલા પગલાઓની વાત કરતા તેમણે જણાવ્યું હતું કે,  પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનાં માર્ગદર્શન હેઠળ થયેલા દુરંદેશીભર્યા આયોજનથી આપણે એ મહામારીમાંથી ન્યૂનતમ નુકસાન સાથે બચી શક્યા છીએ. યુરોપ સહિત દુનિયાભરના દેશો ભારત માટે ચિંતા વ્યક્ત કરતા હતા ત્યારે ભારતે કોરોના પ્રતિરોધક સ્વદેશી રસી વિકસાવી પોતાના નાગરિકોને તો સુરક્ષિત કર્યા જ હતા સાથે-સાથે વિશ્વના ૭૦ થી ૮૦ જેટલા દેશોને કોરોનાની રસી અને દવાઓ પહોંચાડી વસુધૈવ કુટુંબકમની ભાવનાને ખરા અર્થમાં સાર્થક કરી હતી. 

વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીની કાર્યનિષ્ઠા અને દેશ પ્રત્યે સમર્પણભાવનું ઉદાહરણ આપતા રાજ્યપાલશ્રી એ જણાવ્યું હતું કે અંગત સુખનો ત્યાગ કરીને દેશની પ્રગતિ, વિકાસ અને ઉન્નતિ માટે પ્રધાનમંત્રીશ્રી અવિરતપણે કાર્યરત રહે છે ત્યારે ભારતને વિશ્વગુરુ બનાવવાના આ અભિયાનમાં તેમને સહયોગ કરવો આપણા સૌની ફરજ બને છે. જીવનમાં અધિકારો વિશે આપણે જેટલા જાગૃત છીએ એટલા જ જાગૃત આપણી જવાબદારીઓ પ્રત્યે બનીશું ત્યારે આપણા દેશ અને સમાજને ઉન્નતિના શિખરે પહોંચતા કોઈ રોકી નહિ શકે અને સૌના કલ્યાણની ભાવના પણ ત્યારે જ ચરિતાર્થ થશે તેમ રાજ્યપાલશ્રીએ ઉમેર્યું હતું. 

ભાવિ પેઢીમાં સંસ્કાર સિંચન કરવાનું કાર્ય કરી રહેલા સ્વામિનારાયણ ગુરુકુળોની સમૃદ્ધ પરંપરા માટે આનંદ વ્યક્ત કરતા તેમણે જણાવ્યું હતું કે હજારો બાળકોને કોઈ ભેદભાવ વગર શિક્ષિત-દીક્ષિત કરતા આ ગુરુકુળોમાં સમાજવાદની ભાવના સાચા અર્થમાં ચરિતાર્થ થતી જોવા મળે છે. ગુરુકુળનો વિદ્યાર્થી ગમે તે ક્ષેત્રમાં જાય એક જવાબદાર નાગરિક તરીકે વર્તે છે. ભારતીય પરંપરાના શાશ્વત મૂલ્યોની જાળવણી સાથે શિક્ષણ આપતી ભારતીય ગુરુકુળ પરંપરાનો ઉદ્દેશ્ય એવા જવાબદાર માનવ અને સમાજનું નિર્માણ કરવાનો છે કે જે પોતાને અને સમાજને સાચા અર્થમાં સુખી કરે. 

સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ચાલતા વૃક્ષારોપણ, ગૌશાળા, જળ સંરક્ષણ અભિયાન, સામાજિક સુધારણાના કાર્યક્રમો, ગુરુકુળો અને હોસ્પિટલોનું નિર્માણ સહિતની પ્રવૃત્તિઓની સરાહના કરતા આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે સેવાની ભાવના વાણી સાથે આપણા વર્તનથી વ્યક્ત થાય છે. 
 
કાર્યક્રમ બાદ રાજ્યપાલએ ગુરુકુળમાં આવેલી ગૌ શાળાની મુલાકાત લઈ ગાયોને ગોળ-ઘાસ ખવડાવ્યા હતા અને ગૌ શાળાની પ્રવૃત્તિ અંગે આનંદ વ્યક્ત કર્યો હતો. 

કાર્યક્રમમાં સંસ્કારધામ ગુરુકુળનાં સ્વામી રામકૃષ્ણદાસજીએ આશીર્વચન પાઠવીને સ્વાગત પ્રવચન અને ધ્રાંગધ્રાના ધારાસભ્યશ્રી પ્રકાશભાઈ વરામોરા દ્વારા કાર્યક્રમની આભાર વિધિ કરવામાં આવી હતી. આ પ્રસંગે અગ્રણી સર્વે શ્રી અરજણભાઇ ધોળકિયા અને જયભાઈ ધડુકે પ્રાસંગિક ઉદબોધન કર્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા કલેકટરશ્રી કે.સી.સંપટ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.એન.મકવાણા તેમ જ મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યાં હતા.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow