વોટ જેવું કંઈ નહીં, અમે વોટ જરૂર કરીશું’ થીમ પર કરાશે ૧૩મા રાષ્ટ્રીય મતદાતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી
તા.૨૫ જાન્યુઆરીના રોજ ગુજરાત નૅશનલ લૉ યુનિવર્સિટી ખાતે રાજ્યપાલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાશે કાર્યક્રમ
તાજેતરમાં યોજાયેલી ગુજરાત વિધાનસભા ચૂંટણી-૨૦૨૨માં ઉત્તમ કામગીરી કરનાર જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારીશ્રીઓ-કર્મચારીઓને કરાશે પુરસ્કૃત
યુથ વોટર ફેસ્ટિવલ-૨૦૨૨ તથા નૅશનલ વોટર અવેરનેસ કોન્ટેસ્ટ-૨૦૨૨ની વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને પુરસ્કાર આપવામાં આવશે
તા.૨૫ જાન્યુઆરીના રોજ ગાંધીનગરના કોબા સ્થિત ગુજરાત નૅશનલ લૉ યુનિવર્સિટી ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં થનાર આ ઉજવણીમાં ‘મૈં ભારત હૂં’ ગીતના લોન્ચિંગ સાથે મુખ્ય ચૂંટણી કમિશનરશ્રી રાજીવ કુમારનો સંદેશ પણ પ્રસારિત કરવામાં આવશે.
આ પ્રસંગે મહાનુભાવો દ્વારા તાજેતરમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ દરમ્યાન ઉત્તમ કામગીરી કરનાર જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારીશ્રીઓને પુરસ્કાર આપવામાં આવશે. સાથે સાથે યુથ વોટર ફેસ્ટિવલ-૨૦૨૨ તથા નૅશનલ વોટર અવેરનેસ કોન્ટેસ્ટ-૨૦૨૨ની વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થયેલા મતદારોને પણ પુરસ્કૃત કરવામાં આવશે. રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે શાંતિપૂર્ણ અને નૈતિક મતદાનના માધ્યમથી લોકતાંત્રિક મૂલ્યોને જાળવી રાખવા રાજ્ય ચૂંટણી તંત્ર દ્વારા મતદાર શપથ ગ્રહણ કરાવવામાં આવશે.
ભારતના ચૂંટણી પંચ દ્વારા સતત ૧૩મા વર્ષે થનાર રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી વોટ જેવું કંઈ નહીં, અમે વોટ જરૂર કરીશુંની થીમ પર કરવામાં આવશે. વિશ્વની સૌથી મોટી લોકશાહીના અમૂલ્યાધિકાર તરીકે પ્રાપ્ત થતા મતાધિકાર અંગે જાગૃતિ કેળવાય અને દેશના તમામ પાત્ર નાગરિકો ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી થાય તેવા ઉદ્દેશ સાથે રાજ્યકક્ષાએ અને જિલ્લા કક્ષાએ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે પ્રથમ વખત નોંધાયેલા યુવા મતદારોને EPIC વિતરણ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર તરીકેની લાયકાતની તારીખોમાં સુધારો કરવામાં આવતાં વર્ષમાં વિવિધ ચાર તારીખોએ મતદાર તરીકે નોંધણી કરાવી શકવાના કારણે તથા રાજ્ય ચૂંટણી તંત્રની મતદાર જાગૃતિ ઝૂંબેશ ‘અવસર’ના પરિણામે રાજ્યની ચૂંટણીઓના ઈતિહાસમાં ત્રીજું સૌથી વધુ મતદાન નોંધાયું હતું.
રાજ્ય ચૂંટણી કમિશનરશ્રી સંજય પ્રસાદ, અધિક મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી અશોક માણેક, ગાંધીનગર જિલ્લા કલેક્ટર સુશ્રી પ્રવિણા ડી.કે. તથા સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી એ.બી. પટેલની ઉપસ્થિતિમાં થનાર રાષ્ટ્રીય મતદાતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણીમાં દરેક જિલ્લા અને તાલુકા મથકોએથી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીઓ તથા ચૂંટણી તંત્ર સાથે સંકળાયેલા અધિકારી-કર્મચારીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓ અને સામાજીક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે.
રાજ્યના તમામ નાગરિકો રાષ્ટ્રીય મતદાતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી બપોરે ૧૨.૧૫ કલાકથી મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી, ગુજરાતની વેબસાઈટ https://ceo.gujarat.gov.in , ફેસબુક પેજ CEO Gujarat તથા યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@CEOGujaratState પર નિહાળી શકશે.
What's Your Reaction?