રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે કેળવણીકાર, સાહિત્યકાર શ્રી મનસુખભાઈ સલ્લાને શ્રી મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કાર અર્પણ

ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે ગાંધી વિચારના કેળવણીકાર, સાહિત્યકાર અને આચાર્ય શ્રી મનસુખભાઈ સલ્લાને શ્રી મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કાર અર્પણ કર્યો

Jan 2, 2023 - 18:46
Jan 3, 2023 - 13:48
 12
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે કેળવણીકાર, સાહિત્યકાર શ્રી મનસુખભાઈ સલ્લાને શ્રી મહાદેવ  દેસાઈ સમાજસેવા પુરસ્કાર અર્પણ
ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે ગાંધી વિચારના કેળવણીકાર, સાહિત્યકાર અને આચાર્ય શ્રી મનસુખભાઈ સલ્લાને શ્રી મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કાર અર્પણ કર્યો

ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે ગાંધી વિચારના કેળવણીકાર, સાહિત્યકાર અને આચાર્ય શ્રી મનસુખભાઈ સલ્લાને શ્રી મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કાર અર્પણ કર્યો હતો. પુરસ્કાર અર્પણ કરતા શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, શ્રી મનસુખભાઈ સલ્લાની સૌમ્યતા, સરળતા અને સાદગી જ દર્શાવે છે કે તેમણે પૂજ્ય ગાંધીજીના વિચારોને આત્મીયતાપૂર્વક પોતાના જીવનમાં ઉતાર્યા છે. તેમના વ્યક્તિત્વ, સાહિત્યલેખન અને કર્મયોગમાંથી પ્રેરણા લેવા અને ભવિષ્યમાં આવા પુરસ્કારો મળે એવું જીવન જીવવા તેમણે વિદ્યાપીઠના વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો.ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ ખાતે આયોજિત શ્રી મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કાર - 2022 અર્પણ સમારોહમાં બોલતાં શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, વર્ષ 1965માં ગુજરાત વિદ્યાપીઠમાંથી અનુસ્નાતક થયેલા શ્રી મનસુખભાઈ સલ્લાને આજે ગુજરાત વિદ્યાપીઠ આ પુરસ્કારથી સન્માનિત કરી રહી છે એ ઘટના પૂજ્ય મહાત્મા ગાંધીના વિચારો અને આ સંસ્થાના ઉદ્દેશ્યની પૂર્તિનું મોટું ઉદાહરણ છે. શ્રી મનસુખભાઈએ કેળવણી અને સાહિત્યના ક્ષેત્રે સમાજમાં નોંધપાત્ર યોગદાન આપીને આસંસ્થાનું ગૌરવ વધાર્યું છે. પૂજ્ય મહાત્મા ગાંધીના આત્માને શાંતિ મળે એવો આ અવસર છે.

પૂજ્ય ગાંધીબાપુના અંતેવાસી શ્રી મહાદેવભાઇ દેસાઈએ સમાજસેવા, લોકસેવા અને રાષ્ટ્રસેવા માટે પૂજ્ય બાપુને જાત સમર્પિત કરી હતી. આ દેશમાં અંગ્રેજોનું શાસન હતું ત્યારે પૂજ્ય બાપુએ શિક્ષણના માધ્યમથી ભારતીય જનમાનસમાં જીવનમૂલ્યો, સંસ્કૃતિ અને રાષ્ટ્રીય એકતાની સ્થાપના માટે અતુલ્ય પ્રયત્નો કર્યા હતા. તેમણે કહ્યું કે, પૂજ્ય બાપુના વિચારોને જીવનમાં ઉતારનાર શ્રી મનસુખભાઈ સલ્લાને અનેક બહુમાનો મળ્યા છે પણ આજે માતૃસંસ્થા સન્માન કરી રહી છે તેનું મહત્વ સ:વિશેષ છે. શ્રી મનસુખભાઈ સલ્લાનું નામ જ મનને સુખ આપનારું છે; એમ કહીને શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે,
વિદ્યાર્થીઓએ એમના વ્યક્તિત્વમાંથી સાદગી અને સરળતા શીખવા જેવી છે. સાદગી મનુષ્યની મોટામાં મોટી તાકાત હોય છે.

સાદું જીવન અને ઉચ્ચ વિચારો-પૂજ્ય ગાંધીજીના જીવનમાંથી આ પ્રેરણા લેવા જેવી છે. સરળતા અને સાદગી માનવીને નવી ઊંચાઈ અર્પે છે. શ્રી મનસુખભાઈ સલ્લાની સૌમ્યતા અને સરળતા તેમના વ્યક્તિત્વની મોટી પૂંજી છે. અન્યની ભલાઈ માટે જીવન વ્યતિત કરે, અન્યના આંસુ પોતાની આંખેથી વહાવી જાણે અને અન્યની પીડાને પોતાની પીડા બનાવે તેવા પૂજ્ય બાપુના જીવન દર્શનને અપનાવીને શ્રેષ્ઠ કર્મો દ્વારા જે પોતાનું જીવન ઉન્નત બનાવે એ જ આવનારી પેઢીને પ્રેરણા આપી શકે. સમાજ એવા જ લોકોને શોધીને સન્માન કરે છે. શ્રી મનસુખભાઈ સલ્લાએ ગુજરાત વિદ્યાપીઠના આદર્શોને જીવનમાં અપનાવ્યા છે. આવા શ્રી
મનસુખભાઈ સલ્લાના સન્માનથી આપણે ગૌરવાન્વિત થયા છીએ એમ તેમણે કહ્યું હતું.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે કહ્યું હતું કે, જેને માતા-પિતા અને ગુરુ શ્રેષ્ઠ મળ્યા છે, ધર્માત્મા મળ્યા છે એનું જીવન ધન્ય છે વિદ્યાર્થીઓ-બાળકો શિક્ષકોના ભાષણોથી નથી શીખતા, તેઓ શિક્ષકો-ગુરૂજનોના વર્તનનું અવલોકન કરીને શીખતા હોય છે એટલે શિક્ષકોના જીવન આદર્શ અને પ્રેરણાદાયી હોવા જોઈએ. તેમણે શ્રી મનસુખભાઈ સલ્લાને અભિનંદન પાઠવ્યા હતા કે તેમણે પોતાના કર્મોથી અનેક આદર્શ છાત્રોનું નિર્માણ કર્યું છે. તેમણે શ્રી મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કાર માટે શ્રી મનસુખભાઈ સલ્લા જેવા યોગ્ય વ્યક્તિની પસંદગી કરવા બદલ પસંદગી સમિતિને પણ અભિનંદન પાઠવ્યા હતા. પુરસ્કાર પ્રાપ્ત કરતાં પોતાનો પ્રતિભાવ આપતા શ્રી મનસુખભાઈ સલ્લાએ કહ્યું હતું કે, મારી માતૃસંસ્થા-જ્ઞાનસંસ્થા મને પોંખી રહી છે એટલે આજનો દિવસ મારા જીવનમાં મધુર અને આગવો દિવસ છે. આ પુરસ્કાર મારા માટે ગૌરવની સાથોસાથ જવાબદારી પણ છે. તેમણે કહ્યું કે, જીવનમૂલ્યો જ કરોડરજ્જુ છે, એને જાળવીએ તો જ આંતરિક વિકાસ સંભવ છે. શિક્ષક હોવાથી મોટું કોઈ સદભાગ્ય નથી. શિક્ષક તરીકે વિદ્યાર્થીવિકાસ અને સ્વવિકાસ એમ બે પાંખે ઉડવાનું છે. વિદ્યાર્થીઓને જવાબદારી સોંપીને જવાબદાર બનાવો. વિદ્યાર્થીઓમાં શુભનું વાવેતર જ શિક્ષકોનું આ સમાજમાં પ્રદાન છે. વૃક્ષો જેમ તેના ફળથી ઓળખાય છે એમ શિક્ષક તેના વિદ્યાર્થીઓથી ઓળખાય છે. તેમણે શિક્ષકોને અનુરોધ કરતા કહ્યું હતું કે, નિષ્ઠા અને સચ્ચાઈથી કામ કરશો તો એ જરૂર ઊગી નીકળશે. શિક્ષકો માટે તેના આદર્શ વિદ્યાર્થીઓ જ સાચું બેન્ક બેલેન્સ છે. માતૃસંસ્થા ગુજરાત વિદ્યાપીઠે સન્માન કર્યું તેથી વિશેષ ગૌરવ અનુભવતા શ્રી મનસુખભાઈ કહ્યું કે, માં કપાળે ચાંદલો કરે તો પણ ઘણું છે.

તેમણે આ માટે ગુજરાત વિદ્યાપીઠનો આભાર માન્યો હતો.ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક ડૉ. રાજેન્દ્રભાઈ ખીમાણીએ પ્રસંગિક ઉદબોધનમાં કહ્યું હતું કે, ગાંધી વિચાર સાથે કાર્યરતબુનિયાદી શાળાઓમાં વાતાવરણ અને ભાવાવરણમાંથી જ બાળકો શીખે છે. શિક્ષણ અને સાહિત્યથી સમાજની સેવાનું ઉત્તમ ઉદાહરણ શ્રી મનસુખભાઈ સલાએ પૂરું પાડ્યું છે.  સમારોહના પ્રારંભે કાર્યકારી કુલસચિવ ડૉ. નિખિલભાઇ ભટ્ટે સ્વાગત
ઉદબોધન કર્યું હતું. ગુજરાત વિદ્યાપીઠના ડૉ.દીપુબા દેવડાએ સન્માનપત્રનું વાંચન કર્યું હતું અને અંતમાં મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલના સંયોજક ડૉ. કમલેશ પટેલે આભારદર્શન કર્યું હતું.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow