લોકો પાગલ સમજતા એ તો હતા મૌની સંત મસ્તરામ

લોકો પાગલ સમજતા એ તો હતા મૌની સંત મસ્તરામ

Jan 9, 2023 - 17:32
Jan 9, 2023 - 19:12
 29
લોકો પાગલ સમજતા એ તો હતા મૌની સંત મસ્તરામ
people_thought_he_was_mad_but_he_was_mauni_sant_mastram

ભાવનગરના ચિત્રામાં હાજરા હજુર સંત શ્રી મસ્તરાબાપુ 

ભાવનગર:
આ ચિત્ર પરથી બધાને સ્પષ્ટ નહી થાય કે આ સૂતેલી અવસ્થામાં સાધુ કોણ છે. ૧૯૮૬ નારાયણ બાપુના માંડવી સ્થિત આશ્રમમાં આવેલા પૌરાણિક ચપ્લેશ્ર્વર મહાદેવ મંદિરના નિર્માણ અને પૂજ્ય મોરારીબાપુની રામકથા તથા ગૌશાળા બનાવવા માટે નારાયણ બાપુએ મનોમન નક્કી કર્યું. માંગીને ખાવું એ આ બાવલીયાના લોહીના સંસ્કાર ન હતા માટે ફાળો ઉઘરાવવા કરતા ફરી ફરી અને ભજનના પ્રોગ્રામ કરી અને પૈસા ભેગા કરવાનું શરૂ કર્યું, બાપુના ભજન હોય એટલે હકડેઠઠ મેદની હોય એ નક્કી.

સતત ૨૧ દિવસ સુધી દિવસે મુસાફરી અને રાત્રે ભજનના કાર્યક્રમ કર્યા. ફરતા ફરતા ભાવનગર આવ્યું. નારાયણ બાપુને મોરારીબાપુની રામકથામાં મુખ્ય યજમાન તરીકે સંત શિરોમણી મસ્તરામ બાપુને રાખવા હતા. 

સાધુની વ્યાખ્યામાં એ સમયે અવ્વલ કહેવાતા મસ્તરામ બાપુ પોતાના સ્થાન પર અડગ આશરે ૩૫ -૪૦ વર્ષથી પણ વધારે સમયથી બેઠા હતા. ન ખાવું ન પીવું ન કોઈ કુદરતી હાજતે જવું કોઈ શરીર ના બંધન વગર બાપુ એક જ જગ્યાએ બેઠા રહેતા.આ હતા ભારત વર્ષના સાધુ સંતોની તાકાત. ગોહિલવાડમાં આવેલી હોનારતમાં મસ્તરામ બાપુ અને તે જે બાવળ નીચે બેસતા એ બાવળનું તણખલું પણ હાલ્યું ન હતું. ત્યાર બાદ ભાવનગરના લોકો મસ્તરામ બાપુને ઓળખતા થયાં.અખંડ મૌન ધારણ કરનાર મસ્તરામ બાપુને બજરંગદાસ બાપા પણ માનતા હતા. તેની આસપાસ અસંખ્ય શ્વાન બેઠા જ હોય. ક્યારેક રાત્રે સાપ નીકળે તો પણ જાણે બાપુને ચરણ સ્પર્શ કરી પાસેથી પસાર થઈ જાય. જમે કશું નહીં પણ ક્યારેક ક્યારેક કોઈ સેવકએ આપેલી ફિલ્ટર વગરની તાજ છાપ સિગારેટ પીવે. સેવક સિગારેટ સળગાવીને જ આપે. મૂડ ન હોય અને પરાણે કોઈ સેવક સિગારેટ સળગાવીને આપે તો ગુસ્સો કરીને સળગતી સિગારેટ હાથમાં મસળીને ઘા કરી દ્યે. આસપાસના લોકોએ શ્વાનને આપેલા ભોજનને આરોગતા શ્વાનને નિરલિપ્ત  ભાવે નિહાળતા રહે. 

હવે મૂળ વાત પર પાછા ફરીએ નારાયણ બાપુને સપ્તાહ માટે એક શેઠ દ્વારા ૨.૫૦ લાખના દાનની ઓફર કરવામાં આવી હતી, બદલામાં તેમને કથાના મુખ્ય યજમાન બનાવવા નારાયણ બાપુએ નક્કી કર્યું કે યજમાન તો મસ્તરામ બાપુ જ બનશે. મસ્તરામ બાપુ પાસે જઈ અને નારાયણ બાપુએ કહ્યું કે રામ કથાનું આયોજન કર્યું છે અને મુખ્ય યજમાન તમને બનાવવાના છે, કોઈ દિવસ મસ્તરામ બાપુ બોલતા નહિ,એટલે તેમણે મોઢું હલાવી ના પાડી. ત્યાં બેસેલા બાપુના એક સેવકે કહ્યું કે બાપુ પોતાના સ્થાન પરથી બેઠા થતાં જ નથી માટે તે નહિ આવી શકે. પણ નારાયણ તો નારાયણ હતા તેમણે કહ્યું કે કઈ વાંધો નહિ. નારાયણ બાપુએ પોતાની પેટી મંગાવી અને મસ્તરામ બાપુ સામે બેસી પાંચ ભજન ગાયા. ભજન સંભાળતા સંભાળતા મસ્તરામ બાપુની આંખમાંથી આંસુઓની ધારા વહેવા માંડી. જેવા ભજન પૂર્ણ થયા કે તરત જ પોતાના સેવકને મસ્તરામ બાપુએ ઈશારો કર્યો સેવકને ઈશારો થતાં જ પોતે દોડી અને તેના ઘરેથી મસ્તરામ બાપુનો એક ફોટો હતો તે ફોટો લઈને આવ્યો અને કહ્યું કે બાપુનો આ ફોટો તમે ત્યાં સ્ટેજ પર રાખજો, મસ્તરામ ત્યાં હાજર રેહશે. નારાયણ બાપુને જે જોઈતું હતું તે મળી ગયું. ફોટો લઈ અને નારાયણ નિકળી ગયા પોતાની ભજન સફર પર.

ડિસેમ્બર ૧૯૮૬માં મોરારી બાપુની રામ કથાનું આયોજન થયું. મુખ્ય યજમાન તરીકે મસ્તરામ બાપુનો ફોટો.  દિવસે કથા અને રાત્રે ભજન રોજ આશરે ૩૦થી ૪૦ હજાર ભક્તો જમતાં અને કથાનો લાભ લેતા. આ છે દેશના સત્વવાન સાધુ સંતોની અમર ગાથા.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow