‘‘આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ-ર૦ર૩’’ - મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં ગાંધીનગરમાં ઉજવાયો ‘મિલેટ મહોત્સવ’

Jan 12, 2023 - 15:52
 12
‘‘આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ-ર૦ર૩’’ - મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં ગાંધીનગરમાં ઉજવાયો ‘મિલેટ મહોત્સવ’

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં ગાંધીનગરમાં ઉજવાયો ‘મિલેટ મહોત્સવ’મુખ્યમંત્રીશ્રીએ મિલેટ પકવતા ખેડૂત પરિવારો સાથે કર્યો સંવાદ
ગુજરાતમાં મિલેટ્સના ઉપયોગ માટે જન માનસ જાગૃતિ અંગે રાજ્ય સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન
રાજ્યના ૮ મહાનગરોમાં ‘મેગાસિટી મિલેટ એક્સ્પો’ યોજાશે- શહેરી વિસ્તારોમાં મિલેટ્સના ઉપયોગને મળશે પ્રોત્સાહન-મિલેટ્સ પકવતાં ખેડૂતો અને ગ્રાહકોને મળશે કોમન પ્લેટફોર્મ
ખેડૂતોને મિલેટ્સની ખેતી માટે તાલીમ આપવા, જિલ્લા કક્ષાએ વર્કશોપ, તાલુકા સ્તરે સેમિનાર યોજાશે- રાજ્યકક્ષાનો સેમિનાર નવસારી એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીમાં યોજાશે
તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ ખેડૂતોને ક્રોપિંગ સિસ્ટમ બેઝ્ડ તાલીમ અપાશે
જુવાર, બાજરી અને રાગીના પ્રમાણીત બીજનું વિતરણ થશે- જુવાર, બાજરી અને રાગીના પાકોમાં થશે નિદર્શન  

વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીએ ભારતની પારંપારિક ખેત પેદાશ-મિલેટ્સ (જાડા ધાન)ને પ્રોત્સાહન આપવા કરેલા પ્રયાસોનું ફળદાયી પરિણામ:- યુનાઇટેડ નેશન્સે વર્ષ-ર૦ર૩ને ‘આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ’ તરીકે ઉજવવાનો નિર્ણય કરતાં ભારત સહીત દુનિયાભરના દેશોમાં મિલેટની ઉપયોગીતા અંગે ફેલાશે જનજાગૃતિઃ મુખ્યમંત્રી

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ભારતની પારંપારિક ખેત પેદાશ-મિલેટ્સ(જાડા ધાન)ની ખેતી અને તેના આહારમાં ઉપયોગને પ્રોત્સાહન આપવા કરેલી હિમાયતની સફળતાને પગલે યુનાઇટેડ નેશન્સે વર્ષ-ર૦ર૩ને ‘આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ’ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે. ભારત સહિત દુનિયાભરના દેશોમાં મિલેટની ઉપયોગીતા અંગે જનજાગૃતિ આ ઉજવણીને પરિણામે આવશે. 
ગુજરાતમાં પણ મિલેટ્સનો ઉપયોગ વધારવા સમગ્ર વર્ષ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે. આ કાર્યક્રમ અન્વયે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં ગાંધીનગરમાં ‘મિલેટ મહોત્સવ’ ઉજવાયો હતો.

મુખ્યમંત્રીએ આ ‘મિલેટ મહોત્સવ’માં રાજ્યના જિલ્લાઓમાંથી આવેલા ખેડૂત પરિવારો સાથે સંવાદ કર્યો હતો. રાજ્યમાં મિલેટ્સ પકવતા ખેડૂતો મુખ્યમંત્રી નિવાસ સ્થાને આ મિલેટ મહોત્સવમાં સહભાગી થયા હતાં. 
મુખ્યમંત્રીશ્રીએ મિલેટ્સ પકવતા ખેડૂતોની વિવિધ પ્રોડક્ટ્સ આ તકે નિહાળી હતી. મિલેટ્સની વાનગીઓના ભોજનનો આસ્વાદ પણ મહોત્સવમાં ઉપસ્થિત સૌએ માણ્યો હતો. 
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપણી પારંપારિક ખેતીની પેદાશો જાડાધાન-મિલેટ્સને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન આપવાની સફળતા યુનો દ્વારા આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષની ઉજવણીથી મેળવી છે. 

તેમણે ઉમેર્યુ કે, હવે તો પશ્ચિમના દેશો પણ સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ બન્યા છે અને આવા પૌષ્ટિક મિલેટ્સ, પ્રાકૃતિક ખેતીથી પકવેલા અનાજનો વધુને વધુ ઉપયોગ કરવા પ્રેરિત થયા છે. 
આ સંદર્ભમાં આપણા પરંપરાગત ધાન એવા બાજરી, જુવાર, રાગી, મકાઇ ને વિશ્વના દેશો પણ અપનાવે તેવી વડાપ્રધાનશ્રીની સંકલ્પના યુનાઇટેડ નેશન્સ દ્વારા આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષની ઉજવણીથી સાકાર થશે. 
પારંપારિક ખેત પેદાશો-મિલેટ્સ (જાડા ધાન્ય પાકો)ને વિશ્વભરમાં પ્રોત્સાહન આપવાનું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારત સરકારે યુનાઇટેડ નેશન્સમાં વર્ષ ર૦ર૩ને ‘યર ઓફ મિલેટ્સ’ તરીકે ઉજવવા પ્રસ્તાવ રજુ કર્યો હતો. 

વિશ્વના ૭૦ થી વધુ દેશોનું વડાપ્રધાનશ્રીના આ પ્રસ્તાવને સમર્થન મળતાં, યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલીએ ર૦ર૩ને ‘ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ’ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે.આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના પ્રસ્તાવ પછી, આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ-ર૦ર૩ની ઉજવણીનો આ બીજો પ્રસ્તાવ છે જેમાં વડાપ્રધાનશ્રીનો ‘સર્વે સન્તુ સુખીનઃ- સર્વે સન્તુ નિરામયા’નો ભાવ, ‘વર્લ્ડ હેલ્થ અને વેલનેસ’ની ખેવના સમાયેલા છે. 

આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ’ની ઉજવણી માટે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ગુજરાત સહિત ભારતભરમાં મિલેટ્સની ખેતી અને તેના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે વિવિધ કાર્યક્રમો થવાના છે. 
ગુજરાતમાં મિલેટ્સનો ઉપયોગ વધારવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આ સમગ્ર વર્ષ દરમ્યાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તે અંતર્ગત રાજ્યના ૮ મહાનગરોમાં ‘મેગાસિટી મિલેટ એક્સ્પો’ યોજાશે જેથી શહેરી વિસ્તારોમાં મિલેટ્સના ઉપયોગને પ્રોત્સાહન મળશે અને -મિલેટ્સ પકવતાં ખેડૂતો અને ગ્રાહકોને કોમન પ્લેટફોર્મ મળશે. 
 

ખેડૂતોને મિલેટ્સની ખેતી માટે તાલીમ આપવા જિલ્લા કક્ષાએ ૨૪ વર્કશોપ અને તાલુકા સ્તરે ૨૫૨ સેમિનાર યોજાશે તથા નવસારી એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીમાં રાજ્યકક્ષાનો સેમિનાર યોજાશે. ખેડૂતોને ૫૧૫૦ ક્વિન્ટલ જેટલી જુવાર, બાજરી અને રાગીના પ્રમાણીત બીજનું વિતરણ થશે. આ ઉપરાંત તાલુકા અને ગ્રામ્ય કક્ષાના ૨૧૦ સ્થાનોએ ખેડૂતોને ક્રોપિંગ સિસ્ટમ બેઝ્ડ તાલીમ અપાશે.અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, મિલેટ્સ એટલે કે જાડા અનાજ-ધાન્યની ખેતી ભારતમાં સદીઓથી થાય છે. સિંધુ ખીણ સભ્યતા-ઇન્ડસ વેલીમાં મિલેટ્સની ખેતી અને તેના આહાર અંગેના પૂરાવા મળેલા છે. 
    

મિલેટ્સ એટલે કે બાજરી, જુવાર, જવ, રાગી, રાજગરો વગેરે જાડા ધાન અનેક પોષક તત્વોથી ભરપૂર છે અને શક્તિદાયક છે, પાચનમાં પણ મદદરૂપ છે. મિલેટ્સના નિયમિત ભોજનથી બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, સ્ટ્રોક, આંતરડાના કેન્સર અને અન્ય ગંભીર બિમારીનું જોખમ ઘટી જાય છે. મુખ્યમંત્રીશ્રી નિવાસસ્થાને આયોજિત આ મિલેટ મહોત્સવમાં રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, મુખ્ય સચિવ પંકજકુમાર અને રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવઓ, સચિવો, અધિકારીઓ તેમજ ૩૩ જિલ્લામાંથી આવેલા કૃષિકારો ઉપસ્થિત રહ્યા હતા. 

મુખ્યમંત્રીએ આ ખેડૂતોનું સન્માન કર્યુ હતું. આ અવસરે કચ્છના લોક કલાકારોએ વિસરાતા જતા વાદ્યો મોરચંગ, રાવણ હથ્થો, કની, જોડીયા પાવા વગેરેની મોહક સંગીત સુરાવલી પ્રસ્તુત કરી હતી. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow