મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વડોદરા મેરેથોનની દસમી આવૃત્તિનો પ્રારંભ કરાવ્યો

વડોદરા મેરેથોનની દસમી આવૃત્તિનો પ્રારંભ

Jan 8, 2023 - 17:54
Jan 8, 2023 - 17:57
 24
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વડોદરા મેરેથોનની દસમી આવૃત્તિનો પ્રારંભ કરાવ્યો
વડોદરા મેરેથોનની દસમી આવૃત્તિનો પ્રારંભ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં  વિકાસની મેરેથોન સતત ચાલી રહી છે
ચૂંટણી પરિણામો બાદ નિષ્કામ સેવાકર્તવ્યની અમારી જવાબદારી બમણી થઇ છે
વડોદરા મેરેથોન થકી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપેલી સ્વસ્થ ભારતની સંકલ્પના સાકાર થઇ રહી છે
વડોદરા મેરેથોનમાં સહભાગી થયેલા શહેરીજનોનો  ઉત્સાહ વધારતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે સ્પષ્ટ પણે ક્હ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં  દેશમાં વિકાસની જે મેરેથોન સતત ચાલી રહી છે  તેમાં જનજન સહભાગી બન્યા છે

આ વિકાસમાં વિશ્વાસનું પ્રતિબિંબ તાજેતરમાં યોજાયેલી ચૂંટણીના પરિણામોમાં વડાપ્રધાન 
શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વ ને પ્રચંડ લોક સમર્થનથી જોવા મળ્યું છે. તેનું અમે ઋણ સ્વીકારીએ છીએ. ગુજરાતના વિકાસ પ્રત્યેની અમારી જવાબદારી પણ હવે બમણી થઇ છે એમ તેમણે ઉમેર્યું હતું.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ફિટ ઇન્ડિયાના સંકલ્પને સાકાર કરવાના હેતુથી સ્વાસ્થ્ય માટે વડોદરાના શહેરીજનોની આ મેરેથોનમાં ઉત્સાહપૂર્ણ ભાગદારી નિહાળીને મુખ્યમંત્રીશ્રી અભિભૂત થયા હતા. 
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વડોદરાના શહેરીજનોનો મેરેથોન પ્રત્યેનો ઉત્સાહ અદમ્ય છે. શિયાળાની આવી ઠંડીમાં હુંફાળી પથારીમાંથી બહાર નીકળવાનું મન ના થાય એવા સમયે આટલી મોટી સંખ્યામાં લોકો મેરેથોનમાં ભાગ લઇ રહ્યા છે, તે વાત જ નાગરિકોની પોતાના સ્વાસ્થ્ય અને તંદુરસ્તી પ્રત્યેની ખેવના દર્શાવે છે

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપેલી સ્વસ્થ ભારતની સંકલ્પના  આવી મેરેથોન દ્વારા સાકાર થઇ રહી છે તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ ક્હ્યું હતું. તેમણે આ જ સ્વસ્થ ભારત ફિટ ઇન્ડિયા મુવમેન્ટ  આવનારા  દિવસોમાં ગુજરાત અને સમગ્ર દેશમાં વધુ વ્યાપક બનશે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ વડોદરા મેરેથોનની ૧૦મી આવૃત્તિનો ઝંડી દર્શાવીને પ્રારંભ કરાવ્યો હતો. બેંડની સુરાવલી વચ્ચે મેરેથોન પ્રારંભ થતાંથી સાથે જ મુખ્ય મંચ સામેથી પસાર થઇ રહેલા રમતવીરોએ હર્ષનાદ સાથે મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કર્યું હતું મુખ્યમંત્રીશ્રીએ આ દોડવીરોનું ભાવપૂર્વક અભિવાન ઝીલ્યું હતું.

વિવિધ શ્રેણીની મેરેથોનનો પ્રારંભ કરાવવાની સાથે તમામ રમતવીરોનું સસ્મીત અભિવાદન ઝીલી મુખ્યમંત્રીશ્રીએ પોતાના મિતભાષી અને મૃદુ સ્વભાવનો પરિચય આપ્યો હતો. આ પૂર્વે પૂર્ણ મેરેથોનનો પ્રભારી મંત્રીશ્રી હર્ષ સંઘવીએ પ્રારંભ કરાવી પોતે પણ મેરેથોનની દોડ લગાવી હતી.

વડોદરા મેરેથોન સર્વ સમાવેશક પણ બની રહી હતી. આ વખતની મહાદોડ માટે ૬૨ હજાર જેટલા નાગરિકોએ નોંધણી કરાવવાની સાથે દિવ્યાંગોની દોડ પણ આકર્ષણનું કેન્દ્ર બની હતી. એસ્થેટિક પગ સાથે પણ કેટલાક રમતવીરો દોડ્યા તો કેટલાક દિવ્યાંગો ટ્રાઇસિકલ, કાંખઘોડી સાથે પણ દોડ્યા હતા. તેમનો ઉત્સાહ ખરેખર પ્રશંસનીય હતો. અબાલ વૃદ્ધ સૌ કોઇ આ મહાદોડમાં સહભાગી બન્યા હતા.

 આ વેળાએ મેયર શ્રી કેયુરભાઇ રોકડિયા, મુખ્ય દંડક શ્રી બાળુભાઇ શુક્લ, સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય સર્વ શ્રી યોગેશભાઇ પટેલ, મનિષાબેન વકીલ, ચૈતન્યભાઇ દેસાઇ, અગ્રણી  શ્રી વિજયભાઈ શાહ, આયોજક સંસ્થાના સુશ્રી તેજલ બેન અમીન, શ્રી સમીરભાઈ ખેરા, ઉપરાંત કલેક્ટર શ્રી અતુલ ગોર, મ્યુનિસિપલ કમિશનર શ્રી બી. એન. પાની સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow