મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્યના નગરો-મહાનગરોમાં લોક સુખાકારી કામો ઝડપી-સમયબદ્ધ ધોરણે હાથ ધરવાના સામુહિક વિચાર-મંથનનો નવતર અભિગમ
નગરપાલિકાઓની રજૂઆતો પ્રત્યક્ષ સાંભળવાનો અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની સર્વગ્રાહી સમીક્ષાનો ઉપક્રમ ગુરૂવારે તા.૧૯ જાન્યુઆરીએ મહાત્મા મંદિર ખાતે યોજાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકલ સેલ્ફ ગર્વનમેન્ટ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પદાધિકારીઓ-અધિકારીઓ સાથે પ્રત્યક્ષ સંવાદનો એક નવતર અભિગમ અપનાવ્યો છે.
આ સંદર્ભમાં રાજ્યની ‘બ’, ‘ક’ અને ‘ડ’ વર્ગની નગરપાલિકાઓના પ્રમુખ, સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન અને ચીફ ઓફિસરો સાથે ગુરૂવાર, તા.૧૯ જાન્યુઆરીએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સિટી લિડર્સ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણા અને માર્ગદર્શનથી રાજ્ય સરકારના શહેરી વિકાસ-શહેરી ગૃહ નિર્માણ વિભાગે આ એક દિવસીય પરિસંવાદ યોજ્યો છે.
આ એક દિવસીય પરિસંવાદમાં મુખ્યત્વે રાજ્યની નગરપાલિકાઓ દ્વારા કરાયેલી શ્રેષ્ઠ કામગીરીની વિગતોનું આપસી આદાન-પ્રદાન, અમૃત 2.0 અન્વયે નગરપાલિકાઓની કાર્યવાહી તથા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને એફોર્ડેબલ હાઉસીંગ મિશન જેવા વિષયો પર સામુહિક ચર્ચા-મંથન હાથ ધરાવાનું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નગરો-મહાનગરોમાં લોક સુખાકારી માટે ઝડપી, સમયબદ્ધ અને ગુણવત્તાયુકત કામો હાથ ધરાય તે માટે આ સામુહિક વિચાર-મંથન-પરામર્શનો અભિગમ અપનાવ્યો છે.
મુખ્યમંત્રીના દિશાનિર્દેશનમાં રાજ્યની ૮ મહાનગરપાલિકાઓ અને ‘અ’ વર્ગની નગરપાલિકાઓ માટે આવી જ ‘‘સિટી લીડર્સ કોન્કલેવ’’ તાજેતરમાં તા.૩૦ મી ડિસેમ્બરે યોજવામાં આવી હતી.
આ કોન્કલેવની સફળતાને પગલે હવે રાજ્યની ‘બ’ ‘ક’ અને ‘ડ’ વર્ગની નગરપાલિકાઓના પદાધિકારીઓની આ એક દિવસીય કોન્કલેવ યોજાઇ રહી છે.
What's Your Reaction?