દુખિયાના બેલી બાપા બજરંગદાસ બાપુ

દુખિયાના બેલી બાપા બજરંગદાસ બાપુ

Jan 11, 2023 - 10:27
 14

બગદાણા મંદિરેથી કોઈ શ્રધ્ધાળુ ક્યારેય ભૂખ્યો જતો નથી

ભાવનગર: ભાવનગર નજીક આવેલા બગદાણાથી માંડીને છેક વિદેશોની ધરતી સુધી જેમના સેવાકાર્યો અને પરચાઓની ગાથા ગવાય છે તેવા બગદાણા ધામના બાપા સીતારામનો ઈતિહાસ અદ્ભુત છે. બાપા સીતારામ એટલે એવા સંત કે જેમને સરકારે રાષ્ટ્રીય સંતનું બિરુદ આપ્યું છે. બગદાણા ધામમાં ગમે તેટલા ભાવિક ભક્તો આવે તો પણ તેના અન્નના ભંડાર ક્યારેય ખૂટતા જ નથી. વર્ષોને વર્ષો સુધી આજે પણ બાપાના ભાવિક ભક્તોની સંખ્યા દર વર્ષે વધતી જ જાય છે. કહેવાય છે કે બાપા ઉપર માં લક્ષ્મીજીના આશીર્વાદ હતા અને તેથી જ બાપા પાસે હંમેશા રૂપિયા આવતા રહેતા. કહેવાય છે કે બગદાણા ગુરુ આશ્રમના ભોજનાલયની પ્રસાદી તરીકે શ્રધા સાથે ભોજન લેવાથી તે મોંઘીઘાટ દવા કરતા પણ વધારે શક્તિ ધરાવે છે. તેથી ગમે તેવી ખતરનાક બીમારી પણ દૂર થાય છે તેવી માન્યતા રહેલી છે અને આગળ ઉપર પણ કોઈ બીમારી આવતી નથી.

બાપા સીતારામનો જન્મ ભાવનગર પાસે આવેલા અધેવાડા ગામમાં ઝાંઝરીયા હમુમાંનજી મંદિરની ઝુંપડીમાં થયો હતો. બાપાના જન્મ સમયનો ઈતિહાસ પણ અદ્ભુત છે. 1906ની સાલમાં અધેવાડા ગામમાં હીરદાસજી અને શિવકુવરબાનો રામાનંદી પરિવાર રહેતો હતો. માતા શિવકુંવરબા બળદગાડામાં બેસીને પોતાના પિયર જતા હતા ત્યારે રસ્તામાં ઝાંઝરીયા હનુમાનજીનું મંદિર  નજીક પહોચતા જ તેમને પ્રસવપીડા ઉપડી.  તેથી આજુબાજુની મહિલાઓએ એકઠી થઈ માતાને મંદિરની ઝુપડીમાં લઇ ગયા. આ જ સમયે બરોબર આરતીનો સમય હતો અને તે વખતે નગારા અને ઝાલરોના અવાજ સંભળાવા લાગ્યા અને બરોબર તે જ વખતે બાપા સીતારામનો જન્મ થયો. બાપા સીતારામનો પરિવાર રામાનંદી હોવાથી તેમનું નામ ભક્તિરામ રાખવામાં આવ્યું હતું. પરંતુ બાપામાં નાનપણથી ભક્તિ અને રાષ્ટ્રપ્રેમ સાથે  સેવા ભાવના ગુણો હતા. સાથે માતા પિતાના સંસ્કાર જોડાયેલા હતા. 
બાપા જ્યારે નાના હતા ત્યારે પથારીમાં સુતા હતા તે વખતે એવો એક દિવસ મોડે સુધી સુઈ રહ્યા તો માતા-પિતા તેમને જગાડવા આવ્યા. એ સમયે તેઓએ જોયું તો તેની સાથે એક સાપ સુતો હતો અને કરડયા વગર ભક્તીરામનો મિત્ર હોય તેવો વર્તાવ કરી રહ્યો હતો. જેથી તેમના માતાપિતાને આ બાળક ભગવાનનો કોઈ અવતાર હોવાનું માની લીધું હતું.

બાપાએ માત્ર 2 ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો હતો. 11 વર્ષની ઉમરે ભક્તિમાં મન લાગતા સામાજિક જીવનનો ત્યાગ કર્યો અને સાધુની જમાતમાં જોડાઈ ગયા હતા. બાપાએ પોતાના ગુરુ સીતારામ બાપુ પાસેથી દીક્ષા લીધી હોવાથી તેઓ બાપા સીતારામ તરીકે જાણીતા થયા. તેમના ગુરુ સીતારામબાપુ પાસેથી દીક્ષા લઈને સમાધિમાં લીન થઇ ગયા હતા. જયારે પરમ તત્વ અને યોગ સિદ્ધિનો અહેસાસ થયો ત્યારે તેઓ ગુરુને દક્ષિણા આપવા ગયા હતા. અને ગુરુ ભક્તીરામને ઓળખી ગયા અને કહ્યું કે ખરા ગુરુ તો તમે છો. મારે તમને કંઇક આપવું જોઈએ. ત્યારે બાપા સીતારામે કહ્યું કે, એવું કંઇક આપો કે જેનાથી મારે હમેશા ભગવાન શ્રી રામનું નામનું રટણ થયા કરે ત્યારે તેમને ગુરુએ બજરંગી શબ્દ આપ્યો. અને સાથે કહ્યું કે જાવ બજરંગી તમે હવે દુનિયામાં ફરો અને દુખિયારાની સેવા કરો.  જેથી દુનિયા તમને બજરંગદાસ તરીકે ઓળખશે. બજરંગદાસ બાપા હમેશા લોકોને ભગવાન શ્રી રામનું નામ અને હનુમાનજીનું રટણ કરવાની સલાહ આપતા. બાપા સીતારામ દીક્ષા લીધા પહેલા તેમના અનેક પરચાઓ બતાવી ચુક્યા હતા. 

બાપા જ્યારે દીક્ષા લેવા જતા હતા ત્યારે તેઓ વલસાડ નજીક પહોચ્યા અને ઓરંગા નદીના કિનારે બેઠા હતા ત્યાં સીતારામબાપુ ખાખચોડ વાળાની જમાત નાસિક કુંભમેળામાં જઈ રહી હતી. તે વખતે બાપાને પણ કુંભ મેળામાં જવાનું મન થયું હતું. અને તેઓ સંઘમાં જોડાઈ ગયા. આ સંઘને રસ્તામાં એક વાઘનો ભેટો થઇ ગયો.  અન્ય ભક્તો ડરી ગયા. પરંતુ બાપાએ સીતારામ સીતારામ જપતા જપતા બહાદુરી પૂર્વક વાઘને ભગાડ્યો અને ત્યારથી અન્ય ભક્તોને બાપાની ભક્તિ અને શક્તિનો પરચો થઇ ચુક્યો હતો. આ પ્રભુભક્તિ જોઇને સીતારામ બાપુએ નાસિક જઈને ગોદાવરી નદીના કિનારે રાખનો બનાવેલો પીંડ બાપાના આખા શરીરે લગાવી દીધો અને બાપાને દીક્ષા આપી હતી.  સીતારામ બાપુ પણ તહેરાભાઈ ત્યાગી અખાડામાં મહંત હતા તેથી બાપાને પણ તહેરાભાઈ ત્યાગી ખાલસામાં દીક્ષા આપવામાં આવી હતી.  ગુરુની આજ્ઞા પ્રમાણે બાપા ભ્રમણ કરવા લાગ્યા હતા. તેઓ અમદાવાદ પોતાના ગુરુની જમાતથી છુટા પડ્યા અને પોતાનો ચીપીયો અને તુંબડી લઈને નીકળી પડ્યા માનવ સેવા કરવા માટે. અનેક જગ્યાએ બાપાએ ધુણીઓ ધખાવી હતી. તેઓ આડબંધ પહેરતા અને શરીરે રાખ ભભૂત લગાવતા. ફરતા ફરતા તેઓ સુરતના સરઈ ગામ, વેજલપૂરના હનુમાનજી મંદિરે, સુરતના અશ્વિનીકુમાર જેવી જગ્યાએ રહ્યા હતા. ત્યાથી બાપાએ સૌરાષ્ટ્ર તરફ પ્રયાણ કર્યું હતું જેમાં વલ્લભીપુર, ઢસા, પીથલપુર સહિતના ગામોમાં રહ્યા હતા. અંતે તેઓ પાલીતાણાના વાળુકડ ગામના હનુમાનજી મંદિરે અને ત્યાંથી કણમોદર અને છેલ્લે તેઓ બગદાણા આવીને સ્થાયી થયા હતા, અને ત્યાં બાપાએ આશ્રમ સ્થાપ્યો હતો.


બાપા બગદાણા આવ્યા ત્યારે તેમની ઉમર હતી ૪૧ વર્ષ. બાપાએ બગદાણા ગામમાં ત્રિવેણી સંગમ જોયો. બગદાણા ગામ, બગડેશ્વર મહાદેવ અને બગડાલમ ઋષિ આ જોઈ બાપા કાયમ માટે બગદાણામાં રહ્યા. તેઓ ૧૯૪૧માં બગદાણા આવ્યા પછી ૧૯૫૧માં આશ્રમની સ્થાપના કરી. ૧૯૫૯માં અન્નક્ષેત્ર ચાલુ કર્યું. ૧૯૬૦માં ભૂદાન યજ્ઞ કરાવ્યો અને ૧૯૬૨માં  આશ્રમની હરાજી કરાવી ભારત ચીન યુધના સમયે દેશની સેનાને ફાળો આપ્યો. ત્યારબાદ ૧૯૬૫માં આશ્રમની ફરી હરાજી કરી ભારત પાકિસ્તાન યુદ્ધમાં દેશની સેનાને મદદ કરી. ત્યારબાદ ત્રીજી વખત ૧૯૭૧માં ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે પણ મદદ કરી. આ રીતે સતત ત્રણ વખત દેશની સેના અને સરકારને મદદ કરી તેથી તેઓ રાષ્ટ્રીય સંત તરીકે ઓળખાયા. તેઓ ખુદ આ ફાળો આપવા ભાવનગર કલેકટરને આપવા માટે કચેરીએ આવ્યા હતા અને કહ્યું હતું કે ફૂલ નહિ તો ફૂલની પાંખડી પણ મારાથી અપાય તેટલી સહાય મારા દેશને આપું છું.

બાપા બગદાણા આવ્યા પછી બગદાણા ધામમાં અનેક ચમત્કારો થયા છે. બાપા બગદાણામાં શરૂઆતમાં બગડેશ્વર મંદિરમાં નિવાસ કરતા હતા. એ પછી તેઓ ગામના ચોરામાં બેસતા અને પછી તેમના ચમત્કારોથી આકર્ષાઈને અનેક ભક્તોની ભીડ વધવા માંડી. તેથી બાપાએ હેડમતાણું નદીની ખુલ્લી જગ્યામાં આશ્રમ સ્થાપ્યોહતો. બાપાએ ચાલુ કરેલુ અન્નક્ષેત્ર અને સેવા કાર્ય આજે વિશાળ વટવૃક્ષ બનીને લાખો શ્રધાળુંઓને ભક્તિ અને સેવાનું અતુલનીય ઉદાહરણ પૂરું પાડે છે.

બગદાણા ખાતે વર્ષમાં બે વખત મોટા મોટા ઉત્સવ ઉજવાય છે. એક ગુરુ પુનમના દિવસે લાખોની સંખ્યામાં લોકો મેળામાં આવે છે, જ્યારે બાપાની પુણ્યતિથિના દિવસે બગદાણા ધામમાં ખુબ ધામધુમથી ઉત્સવ ઉજવાય છે. બાપાએ પોષ વદ 4ના રોજ બગદાણા ધામમાં 1977માં દેહ ત્યાગ કરી કાયમ માટે બગદાણા ધામમાંથી સદેહે વિદાય લીધી હતી. તેદી મઢુલી બાપા વગર સુની થઇ ગઈ અને આ દિવસે આખું બગદાણા ગામ, બગડ નદીના નીર અને પંખીઓનો કલરવ શાંત થઇ ગયો હતો.

બાપાના આગમન બાદથી બગદાણા ગામનું નામ આખી દુનિયામાં પ્રખ્યાત છે. ગુજરાતમાં ગુંજતું નામ એટલે બાપા સીતારામનું બગદાણા ધામ. બાપા દુનિયાના દુખિયારા લોકોને અવારનવાર મુશ્કેલીના સમયે પરચાઓ આપે છે જેથી લાખોની સંખ્યામાં ભક્તો બગદાણા બાપાના આશ્રમના દર્શન કરવા આવે છે. બાપા વારંવાર એક વાક્ય જરૂર બોલતા જેવી મારા વ્હાલાની મરજી.

બાપાનાં બગદાણા આશ્રમમાં ભક્તોની ભીડ બાપાના ચમત્કારો અને પરચાઓને કારણે ખુબ રહેતી. જેમાં બાપાના આશ્રમમાં ભાલ પંથકના એક માલધારી ભક્ત પોતાને કેન્સરનો રોગ થયો હતો જે અનેક ડોક્ટરોની દવા અને સારવાર કરાવ્યા બાદ પણ મટે તેમ ન હતો. આ કારણે ડોક્ટરોએ હાથ ઊંચા કરી લીધા હતા. આવા વખતે અનેક લોકોએ તેમને બાપાનાં આશ્રમે જવાનું કહ્યું હતું અને પોતાનું દુ:ખ બતાવવાનું કહ્યું હતું. આ સમયે આ વ્યક્તિ અનેક સમસ્યા અને રોગ છતાં તે બગદાણા આવ્યો અને બાપાને વાત કરી. બાપાએ પોતાના આશ્રમની ખીચડી આ ભક્તને ખાવા આપી પરંતુ ડોકટરોએ આ વ્યક્તિને માત્ર અમુક પ્રકારનો ખોરાક અને એ માત્ર પ્રવાહીમાં લેવાની સલાહ આપેલી હતી. તેથી તે આ ખીચડી  ખાઈ શકે તેમ પણ ન હતા. આ વાત બાપાને કરી ત્યારે બાપાએ કહ્યું હતું કે મારા આશ્રમમાં આવેલો કોઈ ખાધા વગર કે ભૂખ્યો જાય તે કેવી રીતે ચાલે? તેને આ ખીચડી ખાઈ જવાનું કહ્યું તેથી તે ભક્ત આ ખીચડી ખાવા લાગ્યા અને તેનાથી ખીચડી પણ ખવાઈ ગઈ અને તેને કેન્સરમાં પણ ખુબ જ મોટી રાહત થઇ. આ પછી તો આ વ્યક્તિ ઘણીવખત બગદાણા આવ્યા અને ઘણા વર્ષ સુધી જીવ્યા. આવો હતો બાપાનો ચમત્કાર. હાલ પણ કોઈ ભક્ત બગદાણા જાય તો પ્રસાદી લીધા વગર પાછો ફરતો નથી.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow