મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે બોટાદ જિલ્લામાં રૂ. ર૯૮ કરોડનાં વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત

Jan 25, 2023 - 17:57
 19
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે બોટાદ જિલ્લામાં રૂ. ર૯૮ કરોડનાં વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત

રાજ્યમાં શિક્ષણ સ્વાસ્થ્ય અને સુરક્ષા, આ ત્રણેય ક્ષેત્રોનો મજબૂત પાયો વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણે નાખ્યો છે..
 ખેલ મહાકુંભ અને સ્પોર્ટ્સ સંકુલોને કારણે છેવાડાના વિસ્તારની પ્રતિભાઓને પણ તક મળી
અમૃતકાળમાં જ ભારત વિકસિત રાષ્ટ્ર બને અને તે માટે આપણે ગુજરાતને પણ વધુને વધુ વિકસિત બનાવવા પ્રયાસો કરીએ
વડાપ્રધાન નરેન્દ્રભાઈએ આપેલો વિકાસકાર્યોનો મંત્ર સાર્થક કરવા પ્રયત્નશીલ બનીએ.....
વિકાસકાર્યોનાં ઈ- લોકાર્પણ-ખાતમુહૂર્ત તેમજ ભૂમિપૂજન કાર્યો થકી આવનારા દિવસોમાં બોટાદ જિલ્લો વિકાસના નવાં શિખરો સર કરશેઃ કેન્દ્રીય આયુષ રાજ્ય મંત્રી  મહેન્દ્ર મુંજપરા
   

                                                  
મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, પ્રજા કલ્યાણને સર્વોપરી ગણીને પ્રજાલક્ષી કાર્યો કરીએ એ જ પ્રજાસત્તાક દિવસની સાર્થક ઉજવણી છે. ગુજરાત વિકાસના નીત નવા શીખરો હાંસલ કરે રહ્યું છે. રાજ્યમાં શિક્ષણ સ્વાસ્થ્ય અને સુરક્ષા, આ ત્રણેય ક્ષેત્રોનો મજબૂત પાયો વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણે નાખ્યો છે. પ્રજાસત્તાક પર્વના ઉપલક્ષમાં  બોટાદ જિલ્લામાં વિવિધ ક્ષેત્રે  રૂપિયા ૨૯૮ કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ આ જ વિકાસક્રમનું ઉદાહરણ છે એમ તેમણે ઉમેર્યું હતું. 

૭૪મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે બોટાદ જિલ્લામાં વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા બાદ જનમેદની સંબોધતાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે સંતો અને કવિઓની ભૂમિ બોટાદ પણ હવે વિકાસના નકશામાં ઉભરી રહ્યું છે.  દેશના વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી જેવું સફળ નેતૃત્વ આપણને સાંપડ્યું છે એ આપણું ગૌરવ તો છે જ પરંતુ તેઓ વૈશ્વિક ઓળખ પણ પામ્યા છે. વિકસિત દેશોમાં રોજગારીની સમસ્યા વકરી રહી છે તેની સામે ભારતમાં રોજગારી વધી રહી છે, એમ  તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે વિકાસનાં કાર્યોમાં લોક ભાગીદારી પણ એટલી જ મહત્ત્વની છે, અને ગુજરાત તે દિશામાં નવા આયામો પ્રસ્થાપિત કરી રહ્યું છે. રાજ્યમાં વિકાસના કાર્યોની ગતિ વધુ તેજ બની છે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ખેલ મહાકુંભનો પાયો નાખ્યો હતો, જેથી છેવાડાના ગામના રમતવીરોને તમામ સુવિધાઓ અને માર્ગદર્શન મળ્યા છે.  સ્પોર્ટ્સ ક્ષેત્રે જ્યાં તક નહોતી ત્યાં તક ઊભી કરવાનું કામ આપણી સરકારે કર્યું છે. બોટાદમાં બનનાર સ્પોર્ટ્સ સંકુલ આવી ઘણી નવી તકોનું સર્જન કરશે, એવો આશાવાદ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.

ભારત આ વર્ષે જી-20 સમિટની યજમાની કરી રહ્યું છે. જી-20ના 15 કાર્યક્રમ ગુજરાતમાં પણ યોજાશે.  નરેન્દ્રભાઈ મોદીએ તેમના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમ્યાન આપેલો વિકાસ મંત્ર સાર્થક કરવા આપણે પ્રયત્નશીલ બનીએ તે સમયની માંગ છે.  આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરી દેશ અમૃત કાળમાં પ્રવેશી ચૂક્યો છે ત્યારે આ અમૃતકાળમાં જ ભારત વિકસિત રાષ્ટ્ર બને અને તે માટે આપણે ગુજરાતને પણ વધુને વધુ વિકસિત બનાવવા પ્રયાસો કરીએ, એવું તેમણે આહવાન કર્યું હતું.

 આ પ્રસંગે કેન્દ્રીય આયુષ રાજ્યમંત્રી ડો. મહેન્દ્ર મુંજપરાએ જણાવ્યું હતું કે, રાજ્યકક્ષાના ૭૪મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી જ્યારે ધર્મ અને આસ્થાના કેન્દ્ર સમાન બોટાદ જિલ્લામાં થવા જઈ રહી છે ત્યારે આજે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના હસ્તે થવા જઈ રહેલા અનેક વિકાસકાર્યોનાં ઈ- લોકાર્પણ-ખાતમુહૂર્ત તેમજ ભૂમિપૂજન કાર્યો થકી આવનારા દિવસોમાં બોટાદ જિલ્લો વિકાસના નવાં શિખરો સર કરશે. 

 ‘સાંસદ આદર્શ ગ્રામ યોજના’ વિશે જણાવતાં તેમણે જણાવ્યું હતું કે, છેવાડાના માનવીને વિકાસની મુખ્ય ધારામાં સહભાગી બનાવીને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના નિર્માણનું માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે, જેને સાકાર કરવાના ઉદ્દેશ સાથે અમલમાં મુકાયેલી અનેકવિધ જનકલ્યાણકારી યોજનાઓ પૈકીની એક યોજના ‘સાંસદ આદર્શ ગ્રામ યોજના’ છે. આ યોજના અંતર્ગત બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાનું જૂના નાવડા ગામ ‘આદર્શ ગામ’ની પરિભાષા સાકાર કરી રહ્યું છે. 

વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળની વિવિધ યોજનાઓ અંતર્ગત જૂના નાવડા ગામમાં રૂ.૧૦૫.૮૬ લાખના ખર્ચે કુલ ૪૪ વિકાસ કાર્યો મંજૂર કરવામાં આવ્યા છે. જૂના નાવડા ગામને જિલ્લાનું આદર્શ ગામ બનાવવા અને 'ગ્રામ સમૃદ્ધ, રાષ્ટ્ર સમૃદ્ધ'ના ધ્યેયને સિદ્ધ કરવાના લક્ષ્યાંક સાથે ગામનો ‘વિલેજ ડેવલપમેન્ટ પ્લાન’ પણ નિર્માણ હેઠળ છે. 

આયુષ વિભાગની કામગીરી અંગે વાત કરતા મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ‘હર દિન હર ઘર આયુર્વેદ’ ઝુંબેશ અંતર્ગત આજે દરેક લોકો આયુર્વેદને હંમેશ માટે જીવનનો એક અભિન્ન ભાગ બનાવે તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકારનો આયુષ વિભાગ સતત કાર્યશીલ છે. જામનગરમાં વિશ્વનું પ્રથમ WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન આકાર લઈ રહ્યું છે, જે વિશ્વમાં પરંપરાગત ચિકિત્સા અને દવાઓ માટે નવી ક્ષિતિજોના દ્વાર ખોલશે એમ તેમણે ઉમેર્યું હતું.

આ તકે સ્વાગત પ્રવચન કરતા જિલ્લા કલેકટર બીજલ શાહે જણાવ્યું હતું કે બોટાદ જિલ્લો ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સર્વિસીઝ બંને આયામોમાં સતત પ્રગતિ કરી રહ્યો છે. વહીવટી તંત્ર બોટાદ જિલ્લાની ૭.૫ લાખની જનતા માટે યોજનાકીય લાભો પહોંચાડવા સતત તત્પર છે. વર્ષ ૨૦૨૨માં ૭૦૦ દિવ્યાંગોને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા, જ્યારે જાન્યુઆરી માસના ૨૪ દિવસમાં ૩૪૯ દિવ્યાંગોને  પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વારસાઈ નોંધોમાં પણ ગયા વર્ષે ૧૬૧૪ નોંધો લેવાઈ હતી ત્યારે જાન્યુઆરી માસના ૨૪ દિવસમાં સુઓમોટો વારસાઈ ઝુંબેશ હેઠળ ૫૮૭ નોંધો પાડવામાં આવી છે.

 

આ પ્રસંગે સાંસદ ડો. ભારતીબેન શિયાળ, ધારાસભ્યઓ ઉમેશભાઈ મકવાણા, મહંત શંભુપ્રસાદજી ટૂંડિયા,  કાળુભાઈ ડાભી, પૂર્વ ધારાસભ્યઓ સૌરભભાઈ પટેલ અને આત્મારામભાઈ પરમાર,બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણી, પ્રભારી સચિવ સંજીવ કુમાર, જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા,  સ્થાનિક રાજકીય આગેવાન  અરવિંદભાઈ વનાળીયા, જિલ્લા પંચાયતના સભ્યઓ, તાલુકા પંચાયતના પ્રમુખ અને સભ્યઓ, એપીએમસી - બોટાદના ચેરમેન અને સભ્યો, વિવિધ સામાજિક-સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો સહિત નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow