એક સમયે પારસીઓ અને સાહસિક ભાટિયા ઓએ વસાવેલા મુંબઈ ના સમગ્ર મલબાર હિલનું વર્ષિક ભાડું રૂપિયા ૧૩૦ હતું ત્યારે

Jan 23, 2023 - 09:30
 24
એક સમયે પારસીઓ અને સાહસિક ભાટિયા ઓએ વસાવેલા મુંબઈ ના સમગ્ર મલબાર હિલનું વર્ષિક ભાડું રૂપિયા ૧૩૦ હતું ત્યારે
એક સમયે પારસીઓ અને સાહસિક ભાટિયા ઓએ વસાવેલા મુંબઈ ના સમગ્ર મલબાર હિલનું વર્ષિક ભાડું રૂપિયા ૧૩૦ હતું ત્યારે

એક સમયે પારસીઓ અને સાહસિક ભાટિયા ઓએ વસાવેલા મુંબઈ ના સમગ્ર મલબાર હિલનું વર્ષિક ભાડું રૂપિયા ૧૩૦ હતું ત્યારે

એ જમાનો હતો જ્યારે મુંબઈમાં ઈરોઝ સિનેમા અને ચર્ચગેટ સ્ટેશનના વિસ્તાર સુધી સમુદ્ર ઘૂઘવતો હતો, જુહુ વિલેપાર્લે ડેવલપમેન્ટ સ્કીમમાં રૂપિયા દસ હજાર ખર્ચીને બંગલો બનાવી શકાતો અને થોડાક સો રૂપિયાના ભાડે આખું મલબાર હિલ ભાડે રાખી શકાતું. મૂલચંદ વર્માએ વેરવિખેર પડેલો મુંબઈ નગરીનો ઈતિહાસ એક ખંતીલા સંશોધકની જહેમત તથા નજરથી ભેગો કરીને દળદાર પુસ્તકરૂપે પ્રગટ કર્યો: ‘નરીમાન પોઈન્ટની પાળ પરથી.’ આજે જ્યારે મુંબઈના ગુજરાતીઓને મહારાષ્ટ્રના કેટલાક રાજકારણીઓ સેકન્ડ ક્લાસ સિટિઝન બનાવી રહ્યા છે અને ઉપનગરના શાન સમી ‘બાળભારતી’ જેવી વિદ્યાસંસ્થાના ગુજરાતી સાઈન બોર્ડ પર કાળો કૂચડો ફેરવવામાં પાશવી આનંદ માણી રહ્યા છે ત્યારે દરેક ગુજરાતીએ જાણવું જોઈએ કે આ મુંબઈ શું ચીજ છે અને મુંબઈને બનાવવામાં સદીઓથી ગુજરાતીઓએ કેટલો ગંજાવર ફાળો આપ્યો છે. જે જમાનામાં મરાઠાઓ લૂંટના ઈરાદાથી મુંબઈ પર ચડાઈ કરતા ત્યારે અંગ્રેજ સરકાર મુંબઈના મૂળ વતની ગુજરાતીઓની મદદ લેતી હતી. કોળી, ઍન્ગ્લો ઇંડિયન્સ અને ગુજરાતીઓ આ ટાપુના આરંભિક વતની હતા.

ગુજરાતના સોલંકી રાજા ભીમદેવે ઈ. સ. ૧૦૨૫માં માહિનો પ્રદેશ જીતી નાની રાજધાની સ્થાપી ત્યાંથી શરૂ થતો મુંબઈનો ઈતિહાસ મૂલંચદ વર્માએ આપ્યો છે. રાજા ભીમદેવ સોલંકી સાથે આબુ-નહરવાલના રાજપૂતો પણ આવ્યા હતા. આ રાજપૂતોએ અત્યારના સી.એસ.ટી. સ્ટેશનવાળા વિસ્તારમાં આબુ પર્વત સ્થિત અંબાજી માતાની સ્થાપના કરી. તેઓ ‘હે મહા અંબાદેવી મા’ સંબોધન કરીને પૂજા કરતા. સ્થાનિક આદિવાસીઓએ ‘મા અંબા મા’નું "મહા અંબા આઈ"- કર્યું અને મા અંબા આઈ પરથી મુંબઈ બન્યું.

આજે મરીન લાઈન્સ સ્ટેશનની પૂર્વમાં જે સોનાપુરનું સ્મશાન છે તે એક જમાનામાં દરિયાકિનારે ગણાતું. કાળક્રમે દરિયો પૂરવામાં આવ્યો, અને ક્વીન્સ રોડ, રેલવેના પાટા તથા નેતાજી સુભાષ રોડની પહોળાઈઓ જેટલી જમીન ઉમેરાઈ. લકીલી તે વખતે પર્યાવરણવાદીઓ નહોતા. અન્યથા મુંબઈના ઘરેણા જેવા ક્વીન્સ નેકલેસથી આપણે વંચિત રહી જાત.

નામદાર આગાખાને મુંબઈમાં સૌપ્રથમવાર ઘોડાની રેસ અને ઘોડાઉછેરની પ્રણાલિકા શરૂ કરી. ખુદ મોરારજી દેસાઈ એક વાર મહાલક્ષ્મી રેસકોર્સ પર ઘોડદોડ જોવા ગયા હતા. જોકે, સાયન્સ ફિક્શનના બેતાજ બાદશાહ એચ. જી. વેલ્સ ૧૯૩૦ના દાયકામાં મુંબઈની મુલાકાતે આવ્યા ત્યારે મોરારજીભાઈ આમંત્રણ હોવા છતાં એમને મળવા ગયા નહોતા અને કવિ બ. ક. ઠાકોર આમંત્રણ સ્વીકારીને વેલ્સને મળ્યા હતા. ક્યારેક ધરતીકંપથી ધ્રૂજી ઊઠતા આ મહાનગરને ભૂસ્તરશાસ્ત્રીઓની નજરે જોવાથી ખબર પડે કે મુંબઈની ધરતીના પેટાળમાં એક સમયે જવાળામુખી પર્વત હતો અને તેના અવશેષો ભૂગર્ભમાં ભંડારાયેલા પડ્યા છે. પાષણયુગમાં મુંબઈ ટાપુઓનું સ્વરૂપ ધરાવતું નહોતું પણ ભારતની મેઈન લૅન્ડ સાથે જોડાયેલા એક ભાગરૂપે અસ્તિત્ત્વ ધરાવતું હતું. જવાળામુખી ફાટતાં ધીમે ધીમે એ જમીનભાગના સાત ટાપુઓ બની ગયા. પાષાણયુગમાં જે હથિયારો અને સાધનો ત્યારના માણસો વાપરતા તે બૅંક-બે અને અન્ય સ્થળોએથી જિયોલૉજિસ્ટોને મળી આવ્યા છે.

ઈ. સ. ૧૭૨૮માં આખા મલબાર હિલનું વાર્ષિક ભાડું કેવળ રૂા. ૧૩૦ (રૂપિયા એકસો ત્રીસ પૂરા) હતું. આજની તારીખે આ ભાવે મલબાર હિલમાં એક કલાક માટે બાથરૂમ પણ ભાડે ન મળે. ગુજરાતી છાપાઓમાં મરણનોંધ છાપવાની પ્રથા ઈ. સ. ૧૮૨૨માં સ્થપાયેલા ‘મુંબઈ સમાચારે’ શરૂ કરી. શરૂનાં વીસેક વર્ષ ‘મુંબઈ સમાચાર’માં સ્ત્રીઓની મરણનોંધ છાપવામાં આવતી નહોતી. આધુનિક મુંબઈના વિકાસનો પ્રારંભ ૧૬૬૧ની સાલથી થયો. એ વર્ષે પોર્ટુગીઝોએ આખેઆખું મુંબઈ અંગ્રેજોને દહેજમાં આપી દીધું. ઈંગ્લેન્ડનો રાજા ચાર્લ્સ બીજો પોર્ટુગીઝોનો જમાઈ હતો.

ઈ. સ. ૧૮૮૧-૮૨માં મુંબઈમાં કુલ મળીને ૯૦ ટેલિફોન ધારકો હતા. ૧૯૫૧માં ૨૯,૩૦૦ મુંબઈગરાઓ પાસે ફોન હતા. આજે તો એકલા શાહ અટકધારીઓ પાસે એના કરતાં અનેકગણા ફોન છે. મુંબઈમાં ૧૮૭૩ પહેલાં વાહન તરીકે પાલખી અને બળદ ગાડીનો ઉપયોગ થતો. પારસીઓ પાલખી બનાવવામાં એક્સપર્ટ હતા. પાલખીવાળા અટક આ વ્યવસાયે જ અપાવી. ૧૮૭૩માં ઘોડાગાડી આવી. વીસમી સદીમાં મોટરગાડીઓ આવી. ૧૯૦૧માં જમશેદજી તાતા મુંબઈના જ નહીં, ભારતના સૌપ્રથમ કારમાલિક બન્યા. ૧૯૪૫-૪૬ના અરસામાં વિલેપારલેના પશ્ર્ચિમે ખારા પાણી અને કાદવવાળી, ખાડાટેકરાવાળી વગડાની જગ્યા હતી. ૧૯૬૦-૬૧માં વિષ્ણુભાઈ દેસાઈ અને વૈકુંઠભાઈ મહેતાને પ્રતાપે જુહુ વિલેપાર્લે ડેવલપમેન્ટ સ્કીમ (Juhu Scheme) તૈયાર થઈ. શરૂમાં પાંચસો રૂપિયા ભરવાના, પછી હપ્તે હપ્તે. આ ગાળા દરમ્યાન એક બંગલો રૂપિયા દસ હજારમાં બની જતો. એ જ બંગલાની કિંમત આજે કરોડોમાં બોલાતી થઈ ગઈ છે.

મલબાર હિલની ટેકરી પર ગોવાળો ઢોર ચરાવવા જતા. નીચે ઊતરીને એક તળાવ પર ઢોરો પાણી પીતાં. એ તળાવ ગોવાલિયા ટૅન્ક નામે ઓળખાયું અને વીસમી સદીમાં તળાવ પૂરીને એના પર બગીચા બન્યા જેને પાછળથી નામ અપાયું ઑગસ્ટ ક્રાન્તિ મેદાન. ૧૭૮૭માં મુંબઈમાં પહેલી પોસ્ટ ઑફિસ શરૂ થઈ. પોસ્ટ માસ્ટરને પગાર નહોતો મળતો. પત્ર મોકલવા માટે જે ફી આવતી તેના પર જ આધાર રાખવો પડતો.

૧૮૨૨માં મલબાર હિલ પરથી એક વાઘ ઊતરીને ગામદેવી થઈ ગોવાળિયાના તળાવમાં પાણી પીવા આવ્યો હોવાના ઉલ્લેખો છે. વીસમી સદીના આરંભમાં તાડદેવ ખાતે એક વાઘ ઝાડીમાં જોવામાં આવ્યો હતો. વાઘના ગયા પછી તાડદેવ ફોરજેટ હિલના આ વિસ્તારમાં ગઈ સદીના ઉત્તરાર્ધમાં જ્યોતીન્દ્ર દવે, હરીન્દ્ર દવે અને તારક મહેતા જેવા સારસ્વતો વસ્યા.

૧૬૬૪માં અંગ્રેજોએ મુંબઈ પોતાને હસ્તક લીધું ત્યારે કુલ વસતિ ૧૫,૦૦૦ની હતી. આજે એકલા બોરીવલીના યોગીનગર વિસ્તારમાં એથી વધુ લોકો વસે છે. ૧૬૯૭માં વસતિ લગભગ સાડાચારગણી થઈ ગઈ: ૭૦,૦૦૦. ૧૮૯૧માં ૮,૨૧,૭૬૪ની વસતી હતી. આઠ પાંચની ચર્ચગેટ લોકલમાં બેસીને મુંબઈનો ઈતિહાસ વાંચતી વખતે અમુક રાજાએ માહિમ પર ચડાઈ કરી અને બીજાએ બાંદરા સર કરી લીધુંના ઉલ્લેખો વાંચીએ છીએ ત્યારે બારીની બહાર એ સ્ટેશનો પસાર થઈ જાય છે. વાચકના મનમાં કૌતુકભર્યોં રોમાંચ પ્રગટ થાય છે. મલબાર હિલ નામ કેવી રીતે પડ્યું? મલબારી ચાંચિયાઓ અરબી સમુદ્રમાં ફરતાં વહાણો લૂંટીને અત્યારે મલબાર હિલ નામે ઓળખાતી ટેકરીની આસપાસ વહાણો લાંગરતા અને જંગલમાં છુપાઈ જતા.

મુંબઈને નિહાળવા એક વિશેષ નજર જોઈએ. બોરીવલી સ્ટેશનેથી ઉત્તર-પશ્ર્ચિમે બેએક કિલોમીટરના અંતરે એક્સર આવ્યું છે. ત્યાં પથ્થરની ભીંત પર ચાર લાંબાં લાંબાં વહાણોનો કાફલો ચીતરવામાં આવ્યો છે. આ વહાણો જાણે સામસામે આક્રમણ કરવાં આવી રહ્યા છે. ઈતિહાસકારોનો મત છે કે આ ચિત્ર બારમી સદીનું છે. આ ચિત્રો આર્કિયોલૉજિકલ સર્વે ઓફ ઈન્ડિયાની ઑફિસમાં જોવા મળે. બોરીવલી એક સમયે ધીકતું બંદર હતું. અહીંથી તોતિંગ વહાણોમાં હાથીઓ અને ઘોડાઓ ચડાવવામાં આવતા.

ઓગણીસમી સદીમાં મુંબઈમાં પ્લોટ નહોતા ખરીદાતા, આખાં ને આખાં ગામ ખરીદાતાં હતાં. ફરામજી કાવસજી બનાજીએ ૧૮૨૯માં પવઈ ગામ ખરીદ્યું, ૧૮૧૭માં કાવસજી માણેકજી એશબર્નરે ભાંડુપ ખરીદ્યું, ૧૮૦૮માં હોરમસજી બમનજી વાડિયાએ કુર્લા વેચાતું લીધું, ૧૮૬૯માં બેરામજી જીજીભાઈએ આખું ગોરેગામ ખરીદી લીધું અને ૧૮૦૬માં અરદેશર દાદી શેઠ મલાડના માલિક બન્યા. આજે દાદી શેઠના નામે એસ. વી. રોડ પરની મલાડની ન્યુ ઈરા ટૉકીઝથી બાબુુલિનના મકાન તરફ જાઓ તો એક નાનકડી ગલી જોવા મળે છે. ગુજરાતીઓ હવે ‘વ્યાપાર’ કે ‘મોનોપોલી’ની ગેમ રમતી વખતે જ આવી ‘ખરીદી’ કે ‘લેવેચ’ કરી શકે છે.

જમશેદજી ન. તાતાએ ૧૯૦૪માં પાંચ લાખ પાઉન્ડના ખર્ચે તાજમહાલ હોટેલ બંધાવી તે વખતે તાજના પંખા વિનાના ડબલ રૂમનું ભાડું રોજના ૧૨થી ૧૮ રૂપિયા હતું. મહિનાનું ભાડું રૂા. ૩૦૦થી ૪૫૦. એમાં રોજના ત્રણ વખતના ભોજનનો ખર્ચ પણ આવી જતો. પંખાવાળી રૂમનો ચાર્જ રોજના રૂા. ૨૮ અને મહિને રૂ. ૫૫૦થી રૂ. ૭૬૦ હતો. આ રૂમમાં બે જણ રહી શકતા.

મુંબઈમાં અમીચંદ ગોવિંદજીએ ૧૭૮૦માં મીઠાઈની પહેલવહેલી દુકાન શરૂ કરી. એ દુકાનનો હલવો મુંબઈના હલવા તરીકે દેશવિદેશમાં વખણાયો. આ એ મુંબઈ છે જ્યાં ગાંધીજી મહાત્મા બનતાં પહેલાં મિસ્ટર એમ. કે. ગાંધીને નામે ઓળખાતા અને શાકભાજી ખરીદીને પોતાની બ્રીફકેસમાં ભરતા એવું મૂલચંદ વર્મા ‘નરીમાન પોઈન્ટની પાળ પરથી’ માં નોંધે છે!

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

Sujan Solanki Sujan Solanki - Kalamkartavya.com Editor