ભાવનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્રિદિવસીય પ્રદેશ અધિવેશનનું ઉદ્ઘાટન કર્યું

Jan 7, 2023 - 12:16
Jan 8, 2023 - 08:48
 15
ભાવનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્રિદિવસીય પ્રદેશ અધિવેશનનું ઉદ્ઘાટન કર્યું
ભાવનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્રિદિવસીય પ્રદેશ અધિવેશનનું ઉદ્ઘાટન કર્યું

રાષ્ટ્રહિતની દરેક પહેલમાં એ.બી.વી.પી. આગળ હોય છે: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ

ભાવનગરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશનાં ૫૪મા અધિવેશનનની શરૂઆત

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ત્રિદિવસીય પ્રદેશ અધિવેશનનું ઉદ્ઘાટન કર્યું

ઉઠો જવાન દેશ કી વસુંધરા પુકારતી, યે દેશ હૈ પુકારતા, પુકારતી મા ભારતી : મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
યુવાશક્તિના યોગદાનથી રાષ્ટ્રને વધુ મજબૂત બનાવવાની સરકારની નેમ
રોજગારલક્ષી અનેક યોજનાઓ થકી યુવાનો “જોબ સિકર” નહીં પરંતુ “જોબ ગિવર” બન્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, એ.બી.વી.પી. એ રાષ્ટ્ર ઘડતર, ચારિત્ર્ય ઘડતર, રાષ્ટ્રહિત અને સમાજ સેવા સહિતની અનેક પહેલને એક છત્ર નીચે સમાવિષ્ટ કરી ચાલતું સંગઠન છે. 
યુવાનોને રાષ્ટ્રહિત માટે મક્કમ બનાવવામાં એ.બી.વી.પી. ની ભૂમિકા અતિ મહત્વની છે. આ સંગઠને વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનો માર્ગ અપનાવ્યો છે. સ્વતંત્રતા સંગ્રામના ગુમનામ નાયકોના બલિદાનની વાતો પણ એ.બી.વી. પી. એ લોકો સુધી પહોંચાડી છે, તેમ તેમણે ઉમેર્યું હતું. 

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભાવનગરમાં આયોજીત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશના ૫૪માં અધિવેશનનો પ્રારંભ કરાવી ઉપસ્થિત યુવાનોને સંબોધન કર્યું હતું.  
મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભે વધુમાં કહ્યું કે, ભારત અત્યારે સૌથી વધુ યુવાનોની સંખ્યા ધરાવતો દેશ છે. યુવાશક્તિના યોગદાનથી રાષ્ટ્રને વધુ મજબૂત બનાવવાની સરકારની નેમ છે. ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળ દેશ સ્વતંત્રના ૭૫ વર્ષ પૂર્ણ કરી આઝાદીના અમૃત કાળમાં પ્રવેશ્યો છે. અમૃતકાળમાં દેશના વિકાસ માટે યુવાનોની ભૂમિકા અગત્યની છે. 

મુખ્યમંત્રીશ્રીએ તેમના પ્રેરક ઉદબોધનમાં કહ્યું કે ગોહિલવાડની ધન્ય ધરા પર જ્ઞાન, શિલ અને એકતાના સમગ્ર સમન્વય થકી રાષ્ટ્રનિર્માણ કાર્ય એ.બી.વી.પી.ના આ અધિવેશન દ્વારા થઈ રહ્યું છે.  વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી પરિવર્તન ક્રાંતિ સાથે એ.બી.વી.પી. કદમ મિલાવી રહી છે. રાષ્ટ્રહિતને સર્વોપરિ માની આગળ ચાલનારી એ.બી.વી.પી. મા ભારતી સર્વોચ્ચ શીખરે બિરાજે તેવા કર્યો કરશે તેવી અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી. 

તેમણે ઉમેર્યું કે, વૈશ્વિક કક્ષાના શૈક્ષણિક કોર્ષ અત્યારે ગુજરાતમાં ઘરઆંગણે ઉપલબ્ધ છે. હવે યુવાનો શિક્ષણની સાથે જ તાલીમ અને રોજગાર મેળવી રહ્યા છે. દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નોથી સ્કિલ ઇન્ડિયા, સ્ટાર્ટ અપ ઇન્ડિયા, મુદ્રા યોજના સહિતની યોજનાઓ દ્વારા આપણા યુવાનો જોબ સિકર નહીં પરંતુ જોબ ગિવર બન્યા છે.

મુખ્યમંત્રીશ્રીએ યુવાનોને રાષ્ટ્રનિર્માણમાં જોડવાનું આહ્વાન કરતી પંક્તિઓ “ઉઠો જવાન દેશ કી વસુંધરા પુકારતી, યે દેશ હૈ પુકારતા, પુકારતી મા ભારતી” નું પઠન કરી વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રહિતની આહલેક જગાવી હતી.        
આ તકે પ્રાસંગિક ઉદબોધનમાં સ્વાગત સમિતિનાં અધ્યક્ષશ્રી કોમલકાંત શર્માએ જણાવ્યું કે, અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું ૫૪ મું અધિવેશન મહારાજા કૃષ્ણકુમારસિંહજીની નગરી ખાતે યોજાઈ રહ્યું છે ત્યારે સમગ્ર ગુજરાત રાજ્યની છાત્ર શક્તિઓ માટે શિક્ષણની સાથે રાષ્ટ્રિયભક્તિનાં પ્રદર્શનની ત્રણ દિવસ ઉજવણી કરવામાં આવનાર છે. 

પ્રદેશ અધ્યક્ષશ્રી ડો. સંજયભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો વિદ્યાર્થી પરિષદ સાથે જૂનો સંબંધ છે, આજે ગુજરાતમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં બે લાખથી વધુ સદસ્યતા ધરાવતું સંગઠન બન્યું છે. આ ઉપરાંત સમાજમાં જાગૃતિ ફેલાવવામાં પણ અખિલ ભારતીય વિદ્યાર્થી સંગઠન કાર્યરત છે.

સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરતાં અતિથિ વિશેષ ડો. છગનભાઇ પટેલે જણાવ્યું કે, ભારતના રજવાડાઓનું એકત્રીકરણ કરવામાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી એ પોતાનું રજવાડું સૌપ્રથમ દેશ ને સમર્પિત કર્યું એ ભાવનગરની પ્રજાનો દેશ પ્રત્યેનો ભાવ વ્યક્ત કરે છે. આઝાદીના અમૃત મહોત્સવની સાથે આ સંગઠનનો પણ અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે. 

કાર્યક્રમથી કાર્યકર્તાનું નિર્માણ થાય અને રાષ્ટ્રભાવનાને આગળ વધારે તેવાં સંકલ્પ સાથે આ સંગઠનની અવિરત યાત્રા ચાલી રહી છે અને રાષ્ટ્ર નિર્માણની ભાવનાને ઉજ્વળ રાખવા આ સંગઠન કામ કરી રહ્યું છે.

\આ અવસરે ધારાસભ્ય સર્વેશ્રી સેજલબેન પંડ્યા, શ્રી જીતુભાઇ વાઘાણી, શ્રી શિવાભાઈ ગોહિલ, ડે.મેયરશ્રી કૃણાલકુમાર શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી ધીરૂભાઇ ધામેલીયા તેમજ એ.બી.વી.પી. સંગઠનનાં વિદ્યાર્થીઓ બહોળા પ્રમાણમાં ઉપસ્થિત રહ્યા હતા.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow